• શુક્રવાર, 15 નવેમ્બર, 2024

કાયદાથી ઊંચેરા વીવીઆઈપી?

ચૂંટણી પ્રચાર માટે હેલિકોપ્ટરથી મહારાષ્ટ્રનો પ્રવાસ કરનારા ઉદ્ધવ ઠાકરેના સામાનની સતત ત્રણ વખત તપાસણી કરવામાં આવવાથી તેઓ ગજબના રોષે ભરાયા છે. ઉદ્ધવ ઠાકરે તેમના સામાનની તપાસણી કરનારા કર્મચારીઓ સાથે પણ ઉદ્ધત રીતે બોલ્યા. `આજે તમે બેગ ઉઘાડો છો, હું કાલે તમને ઉઘાડા પાડીશ!' એવા શબ્દોમાં ઉદ્ધવ ઠાકરેએ ઘમંડની ભાષા વાપરીને સંબંધિત અધિકારીઓને ધમકાવ્યા છે. મારી બેગ તપાસી એવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેગ તપાસી છે? એવો બાલિશ સવાલ તેમણે કર્યો છે. તેમજ બાળાસાહેબના સુપુત્ર હોવાથી ખુદનું કર્તવ્ય હોવા છતાં સરખામણી વડાપ્રધાન સ્તરની વ્યક્તિ સાથે કરી છે! બે સ્થળે પોતાની બેગ તપાસણી પછી માજી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જે આરોપ શસ્ત્ર ચલાવ્યું છે તે લોકશાહી વિરોધનું અને ચૂંટણી સમયમાં પોતાનું કામ સચોટ કરનારા કર્મચારી અને અધિકારીઓનું નૈતિક બળ તોડનારું છે. ખરી રીતે તો દેશમાં કહેવાતા વીવીઆઈપી અર્થાત બધા પક્ષોના નેતાઓને મળનારી વિશેષ ટ્રીટમેન્ટ હંમેશાં માટે ખતમ થઈ જવી જોઈએ. આ બન્ને બનાવના જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈ અને ડર દાખવનારી ભાષા વાંધાજનક અને ચૂંટણીપંચનાં કામ પર દબાણ કરવાની વૃત્તિ સ્પષ્ટ દેખાય છે. કર્મચારીઓને `તમારું ઓળખપત્ર દાખવો', તમારો નિયુક્તિપત્ર દેખાડો... એમ કહીને દમદાટી કરવાના બદલે ઠાકરેએ પોતાનો સામાન આ કર્મચારીઓને વિનમ્રપણે તપાસવા દેવો જોઈતો હતો. જો કે, ઠાકરે સામે સરકારી કર્મચારીઓની હાલત જાણે કોઈ ગુનો કરતા હોઈએ એવી ગુનાની ભાવના તેમના ચહેરા પર ઊમટી હતી. ઠાકરેએ આ બે બનાવ પછી વિનાકારણ ત્રાગું કર્યું છે. સભામાં પણ તેમણે વિરોધી નેતાઓની બેગ શા માટે તપાસવામાં આવે છે એવો પ્રશ્ન કર્યો છે. ઠાકરેની બેગ તપાસ્યા પછી શરદ પવારે `િવરોધીઓને ત્રાસ આપવાનો શાસક પક્ષોનો એજન્ડા છે....' એવી ટીકા કરી છે. પવારે તો સીધેસીધી ચૂંટણીપંચની ટીકા કરી છે. કેન્દ્રીય ચૂંટણીપંચે ઠાકરે અને પવારની ટીકાનો યોગ્ય જવાબ આપી જણાવ્યું છે કે, કર્મચારીઓ તેમની ફરજ બજાવી રહ્યા હતા. ચૂંટણી ચાલુ હોય ત્યારે કોઈ પણ `વીઆઈપી' નથી, કોઈ કાયદાથી પર નથી અને દરેકનો સામાન તપાસી શકાય. અહીં એ નોંધનીય છે કે, ઉદ્ધવ ઠાકરેની જેમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય મંત્રી આઠવલેના સામાનની પણ તપાસ થઇ હતી. ઉદ્ધવ ઠાકરે પોતાના પરિવાર, પક્ષનું નેતાપદ અને માજી મુખ્યપ્રધાન પદના લેબલનો અહંકાર ત્યાગે અને કાયદાનાં બંધારણના નિયમોનો આદર કરવો જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang