બ્રિસબેન, તા. 14 : પાકિસ્તાન સામેની વરસાદગ્રસ્ત પહેલી ટી-20
મેચમાં ઓસ્ટ્રેલિયાનો 29 રને વિજય થયો છે અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી
છે. વરસાદને લીધે મેચ 7-7 ઓવરની કરાઈ હતી.
ઓસ્ટ્રેલિયાના ચાર વિકેટે 93 રનના જવાબમાં પાકિસ્તાન ટીમનાં સાત ઓવરમાં નવ વિકેટે
64 રન થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પ્લેયર ઓફ ધ મેચ ગ્લેન મેક્સવેલે ફોર્મમાં વાપસી
કરીને 19 દડામાં પાંચ ચોગ્ગા - ત્રણ છગ્ગાથી ધૂંઆધાર 43 રન કર્યા હતા. સ્ટોઇનિસે સાત
દડામાં બે ચોગ્ગા-એક છગ્ગાથી અણનમ 21 રન કર્યા હતા. પાક. તરફથી અબ્બાસ અફ્રિદીએ બે
વિકેટ લીધી હતી. સાત ઓવરમાં 94 રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં પાક.ની શરૂઆત ખરાબ રહી
હતી અને પાંચ વિકેટ 16 રનમાં ગુમાવી હતી. ફક્ત ત્રણ બેટધર હસીબઉલ્લાહ ખાન (12), અબ્બાસ
અફ્રિદી (20) અને શાહિન અફ્રિદી (11) બેવડા આંક સુધી પહોંચી શક્યા હતા. કપ્તાન મોહમ્મદ
રિઝવાન ઝીરોમાં, બાબર આઝમ ત્રણ અને સલમાન આગા ચાર રને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી
જેવિયર બાર્ટલ અને નેથન એલિસે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ઝમ્પાને બે વિકેટ મળી હતી.