• શુક્રવાર, 15 નવેમ્બર, 2024

ભારતભરના જૈન સંઘોમાં શત્રુંજય તીર્થની ભાવયાત્રાનું આયોજન

ભુજ, તા. 14 : ચોમાસી ચૌદશ એટલે કે, જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના ચાતુર્માસની પૂર્ણાહુતિ થઈ અને શુક્રવારે જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થઇ શકશે એટલે કે, ચાર મહિના સુધી એક સ્થળે સ્થિરતા બાદ ચોમાસી ચૌદશ બાદ વિહાર શરૂ થશે. અષાઢ સુદ ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ સોમવારે કારતક સુદ ચૌદશની સાંજે  સામૂહિક દેવવંદન  અને  ચોમાસી ચૌદશના વિશેષ પ્રતિક્રમણ સાથે કરવામાં આવેલ મીરપુર જહાજ મંદિર પારસમણિ તીર્થ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન  મુનિરાજ પુન્યરત્નચંદ્રજી મ.સા.,  મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.એ જણાવ્યું કે, કાર્તિકી પૂર્ણિમાની સવારથી વિહારનો પ્રારંભ થશે. જેને જૈન ધર્મ અનુસાર  ચાતુર્માસ પરિવર્તન  કહેવામાં આવે છે, જે દિવસ શુક્રવારે છે. આ કારતક સુદ પૂર્ણિમાનો દિવસ જૈન સમાજ માટે મહત્ત્વનો બની રહેશે. કેમ કે, ચાતુર્માસ દરમ્યાન બંધ રહેતી શત્રુંજય તીર્થની યાત્રાનો કાર્તિકી પૂર્ણિમાથી પ્રારંભ થશે. એક સ્થાને બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થશે અને કલિકાલસર્વજ્ઞ  હેમચંદ્રાચાર્યજીના જન્મદિવસની ઉજવણી પણ થશે. આ રીતે એક સાથે ત્રણ પ્રસંગ યોજાશે. તેમણે જણાવ્યું કે, ચાર માસ દરમ્યાન વરસાદ આદિને કારણે શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રાખવામાં આવે છે, જેનો પ્રારંભ પૂનમનાં દિવસથી શરૂ થશે. જે શ્રાવક-શ્રાવિકાઓ પૂનમનાં દિવસે પાલિતાણા ન જઈ શકે તેઓ પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરશે. જેને શત્રુંજય તીર્થની ભાવયાત્રા પણ કહેવાય છે. આ દિવસે શાશ્વત તીર્થ એવા શત્રુંજય તીર્થનું મહિમા ગાન પણ થતું હોય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang