ભુજ, તા. 14 : ચેક પરત
ફરવાના અલગ - અલગ બે કેસમાં હેલ્પલાઈન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક ભુજના ડો. નશીમ મોહમ્મદ
લાહેજીને એક - એક વર્ષની કેદની તથા મોટી રકમના દંડની સજા કરતો ધાક બેસાડતો ચુકાદો ભુજની
કોર્ટે આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ માધાપરના દાદુભા જેમલજી ચૌહાણ પાસેથી ભુજના
ડો. નશીમ મોહમ્મદ લાહેજીએ રૂા. 27,25,000 હાથઉછીના મેળવ્યા હતા. રકમ પરત માગતાં ડો.
નશીમે દાદુભાને રૂા. 11,65,000નો એક તથા રૂા. 15,00,000નો બીજો એવા અલગ-અલગ બે ચેક
આપ્યા બાદ ડો. નશીમે ચેકનું ચુકવણુ અટકાવવા માટે પેમેન્ટ સ્ટોપ કરાવતા આ પરત ફર્યા
હતા. આથી દાદુભાએ ભુજની કોર્ટમાં આ ચેક સબંધે બે અલગ-અલગ ફરિયાદો દાખલ કરાવી હતી. બીજી
તરફ ડો. નશીમે દાદુભા તથા અન્ય વિરુદ્ધ ભુજ
એ. ડીવીઝન પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સબંધે દાદુભાએ આગોતરા
જામીન માટે અરજી કરતા તે મંજુર થતા જે-તે વખત આ સમગ્ર કેસ ચર્ચાનો વિષય બન્યો હતો.
ચેક પરતના કેસ ચાલી જતા ફરિયાદી અને સાહેદોની જુબાની તથા ખુદ આરોપીની જુબાનીના આધારે
અને ફરિયાદી પક્ષ એડવોકેટ દેવાયત એન. બારોટની દલીલોના અંતે અધિક ચીફ જ્યુ.મેજી. કે.
સી. જોષીએ આરોપી ડો. નશીમને બન્ને કેસમાં રૂા. 13.50 લાખનું વળતર ચુકવવાનો ચુકાદો આપ્યો
હતો. આ કામે દાદુભાના એડવોકેટ તરીકે દેવાયત અને ખીમરાજ ગઢવી અને તેમની સાથે ઉમૈર સુમરા,
રામ ગઢવી, રાજેશ ગઢવી, ખુશાલ મહેશ્વરી, જયેશ એન. કટુઆ, અંકિત એચ. ભાનુશાલી, નિરંજન
સાધુ હાજર રહ્યા હતા.