અમારા પ્રતિનિધિ તરફથી : મુંબઈ, તા. 14 : કૉંગ્રેસ દેશમાં પછાત જાતિઓમાં ભાગલા પડાવીને આરક્ષણ બંધ કરી દેશે. આઝાદીના સાત દાયકા બાદ પણ જમ્મુ-કાશ્મીરમાં આપણું બંધારણ લાગુ નહોતું પણ કૉંગ્રેસે કશું કર્યું નહોતું, પરંતુ અમે જમ્મુ-કાશ્મીરમાં ભારતનું બંધારણ લાગુ પાડયું છે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આજે શિવાજી પાર્કમાં સભાને સંબોધતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે કૉંગ્રેસના શહજાદા વિદેશમાં જઈ આરક્ષણ ગુણવત્તા વિરોધી હોવાનું કહે છે તે સત્તા ઉપર આવશે તો બંધ કરી દેશે. મુંબઈ બાળાસાહેબ ઠાકરેના સિદ્ધાંતોનું શહેર છે. આ શહેર સ્વાભિમાનનું શહેર છે. બાળ ઠાકરેનું અપમાન કરનારાઓના હાથમાં પોતાનું રિમોટ આપી દીધું છે. તેઓ કૉંગ્રેસના `શહજાદા' પાસે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે બોલાવી બતાવે. તો બાળ ઠાકરેના આશીર્વાદ મળશે અને સારી ઊંઘ આવશે. તેઓ વીર સાવરકરને ગાળો ભાડનારાઓને પણ ગળે લગાડે છે. મુંબઈગરા માટે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હું નમ્રતાથી કહેવા માગું છું કે ભાજપ સહિત `મહાયુતિ' સેવાભાવનાથી કામ કરે છે. તમારાં સપનાક્ષ જ અમારો સંકલ્પ છે. તમારાં સપનાં પૂરાં કરવા માટે અમે જીવીએ છીએ. તેને પૂરાં કરવા અમે જીજાનથી મહેનત કરવાની ખાતરી આપીએ છીએ. અમે મુંબઈમાં કનેકિટવિટી સુધારવા અનેક પ્રકલ્પો હાથ ધર્યા છે. મહારાષ્ટ્રમાં કૉંગ્રેસએ દાયકાઓ સુધી રાજ કર્યું છે, પણ કયારેય લાંબાગાળાની યોજનાઓ ઘડી નહોતી. તેથી મુંબઈ સહિત મહારાષ્ટ્ર પાછળ રહ્યું હતું. `આઘાડી'એ અટલસેતુ અને મેટ્રો પ્રકલ્પોનો વિરોધ કર્યો હતો. તેઓ ડિજિટલ અને યુપીઆઈનો વિરોધ દેખાડતા હતા. માછલી પાણી વિના તરફડે એમ કૉંગ્રેસ સત્તા વિના તરફડે છે. વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 17 લાખ ફેરિયાઓને પીએમ સ્વનિધિ યોજના હેઠળ મદદ મળી છે. મહારાષ્ટ્રમાં લગભગ 27,000 સ્ટાર્ટઅપનું નેતૃત્વ મહિલાઓ કરે છે. તેમાં 17,000 સ્ટાર્ટઅપમાં કમસે કમ એક મહિલા ડિરેકટર છે. `લાડકી બહીણ' સ્કીમથી પણ મહિલાઓને ઘણી મદદ મળી છે. મુંબઈમાં આતંકવાદી હુમલાનો ભય હવે રહ્યો નથી. મુંબઈગરા હવે જીવનમાં સુરક્ષિતતા અનુભવે છે એમ મોદીએ ઉમેર્યું હતું.