• શુક્રવાર, 15 નવેમ્બર, 2024

ઉચ્ચ શિક્ષણ વિસ્તારની દિશામાં મહત્ત્વનું કદમ

છેલ્લા બે-ચાર દિવસમાં કચ્છમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભવિષ્યની ઉજ્જવળ સંભાવનાઓનો ઉપક્રમ રચાયો છે. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીએ સ્થાપનાના બે દાયકા બાદ `નેક' (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)ની માન્યતા માટે પંદર હજાર પાનાંનો સેલ્ફ સ્ટડી રિપોર્ટ તૈયાર કરીને સુપરત કર્યો છે. આજે જમાનો માન્યતાનો છે. માર્કેટિંગનોય છે. દરેક બાબતમાં રેટિંગ તેનો માપદંડ બની ગયું છે. કચ્છ યુનિવર્સિટી હજુ નવી નવી યૌવનાવસ્થામાં પ્રવેશી?છે. ભાતીગળ સંસ્કૃતિ, લોકજીવન અને પરંપરા, ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતા કચ્છ જિલ્લાની પ્રગતિને છાજે એવી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની દેશ-દુનિયામાં નોંધ લેવાય એ સમયની માંગ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી શિક્ષણના વિકાસ માટે અનેક મહત્ત્વાકાંક્ષી યોજનાઓ છે, પૂરતું ભંડોળ છે. તેનો લાભ મેળવવા માટે શિક્ષણ સંસ્થાની પાત્રતા મહત્ત્વની છે. યુ.જી.સી.ની ગ્રાન્ટ માટે `નેક' રિપોર્ટ ફાઇલ કરવો જરૂરી હોય છે. કચ્છ યુનિ. પાસે યુજીસીની 12 (બી)ની માન્યતા છે, પણ `નેક' વિના પ્રગતિ તરફ - મહત્ત્વનો પડાવ પસાર થઇ શકે એમ નહોતો. કચ્છ યુનિ.ને પીએમ ઉચ્ચતર શિક્ષણ અભિયાનનાં ભંડોળમાંથી મળેલા રૂા. 20 કરોડમાંથી અનેકવિધ પ્રકલ્પોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. સ્ટુડન્ટ ફેસિલિટી સેન્ટર, કચ્છીયત સંગ્રહાલય, ડિજિટલ સ્ટુડિયો, આધુનિક લેબોરેટરી જેવી સુવિધાઓનો વિચાર સ્તુત્ય છે. કચ્છ યુનિવર્સિટી માટે દાયકાઓથી સપનું જોવાતું હતું. 2003માં એ સાકાર થયું. સીમાવર્તી જિલ્લાને પોતીકું વિશ્વવિદ્યાલય જરૂર મળ્યું, પણ તેની પ્રગતિ મંથરગતિએ રહી, એ માટે અનેક કારણો જવાબદાર હશે. હવે કચ્છનો સૂરજ ચડી રહ્યો છે. એની સાથે યુનિવર્સિટીનો માહોલ ચેતનવંતો, ઉત્સાહસભર બની રહ્યો છે. વર્તમાન કુલપતિ મોહનભાઇ પટેલે યોગ્ય જ કહ્યું કે, વિશ્વવિદ્યાલયનો વિકાસ છાત્રોથી લઇને તમામના સહિયારા પ્રયાસોથી જ થઇ શકશે. `ટીમ કચ્છ યુનિવર્સિટી' તરીકે જ દરેક ટાસ્ક હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ અભિગમ થકી જ સારું પરિણામ મળી શકશે.. હવે વહેલીતકે ખાલી જગ્યાઓ પર ભરતી કરાય, વિવિધ વિભાગોમાં વ્યાખ્યાતાઓની પોસ્ટ પણ ભરી દેવામાં આવશે તો તેનો કચ્છ યુનિ.ને વધુ ફાયદો થશે. - ને વાત વેટરનરી કોલેજની : ગુજરાત સરકાર દ્વારા કચ્છ માટે મંજૂર કરાયેલી વેટરનરી કોલેજની ફાઇલ પરથી ધૂળ ઊડાડીને એ દિશામાં પ્રયાસો શરૂ થયા છે. માળખાંકીય સુવિધાઓના અભ્યાસ માટે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટુકડીએ ત્રણ દિવસ માટે કચ્છનો પ્રવાસ કરીને વિવિધ પાસાંઓની વિગતો મેળવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભુજના ખાવડા રોડ પર આવેલાં ઘેટાં ઉછેર કેન્દ્ર ખાતે આગામી વર્ષથી વેટરનરી કોલેજ શરૂ થાય એવું અત્યારના તબક્કે જણાય છે. કૃષિ અને વેટનરી કોલેજનો મુદ્દો કચ્છ માટે જૂનો છે. માનવી કરતાં પશુઓની વધુ સંખ્યા ધરાવતાં કચ્છને પશુપાલન યુનિવર્સિટી મળવી જોઇએ એ માગણી પહેલેથી રહી છે. એનું મજબૂત કારણ એ રહ્યું છે કે, રાજ્યમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી મોટા જિલ્લામાં 20 લાખનું પશુધન આવેલું છે. માન્યતાપ્રાપ્ત 28 નસલ પૈકી નવ પશુ ઓલાદ કચ્છમાં જોવા મળે છે. ખેતી-બાગાયતનો વિશાળ પથારો અને સરહદ ડેરી સક્રિય થયા પછી પશુપાલન પ્રવૃત્તિમાં આવેલી ચમકને ધ્યાને લેતાં સૂચિત કોલેજ કચ્છમાં આ બંને પરંપરાગત વ્યવસાયના વિકાસ માટે ચાવીરૂપ બની શકે. ઓગસ્ટ 2021માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છને કૃષિ અને વેટરનરી કોલેજની ભેટ આપી હતી. એનાં અમલીકરણમાં વર્ષો નીકળી ગયાં એ અફસોસની વાત છે. કચ્છની જરૂરિયાત અને સંજોગોને ધ્યાને લઇને વહેલીતકે વેટરનરી કોલેજ શરૂ થાય એ સમયની માંગ છે. આવી બાબત માટે સરકારી પ્રક્રિયાનું અનુસરણ થાય એ સમજી શકાય, પરંતુ એ બધું સમયબદ્ધ રીતે થાય તો જ કામ બને. કચ્છના જનપ્રતિનિધિ એ માટે જાગૃત રહેશે એવી અપેક્ષા રાખીએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang