• શુક્રવાર, 15 નવેમ્બર, 2024

મીઠી ડેમમાં માછલી પકડવા ગયેલો આધેડ ડૂબ્યો

ભુજ, તા.14 : અબડાસા તાલુકાના રામપર અબડાની બાજુમાં આવેલા મીઠી ડેમમાં માછલી પકડવા જતા 48 વર્ષીય આધેડ નુરમામદ આધમ સુમરાનો પગ લપસતાં તેનું ડૂબી જવાથી પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. બીજી તરફ મુંદરા બંદરના અદાણી પોર્ટની જેટી પાસેના દરિયામાંથી ક્રેઈન ઓપરેટર 24 વર્ષીય યુવાન રાજેશ ભૂપતભાઈ વેકરિયાની કોહવાયેલી લાશ મળી હતી. માંડવી તાલુકાના ગઢશીશાની વાડીમાં પરપ્રાંતિય ખેતમજૂર એવા 35 વર્ષીય યુવાન જેસલ શંકરભાઈ નાયકે તા.10/11ના દારૂના નશામાં ભુલથી કપાસમાં નાખવાની દવા પાણી સમજી પી લેતાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. ભચાઉના મેઘપર-કુંજીસર વચ્ચે ઉભેલા ટ્રેઈલરમાં પાછળથી બાઈક ભટકાતા જીતેન્દ્ર લાલજી પ્રજાપતી (ઉ.વ.50)નું સારવાર દરમ્યાન મોત થયું હતું. મૂળ માંડવી તાલુકાના ઢીંઢના  અને હાલે સાલેમામદ હાજીહસન કુંભારની મીઠી ડેમની બાજુ રામપર-અબડાની વાડીમાં રહેતા નુરમામદ સુમરા આજે બપોરે મીઠી ડેમ પરની કેનાલના પાણી ખોલ-બંધ કરવાના વાલ્વની જગ્યા પર માછલી પકડવા માટે ગયા હતા જ્યાં તેમનો પગ લપસતાં ડેમના પાણીમાં ડૂબી ગયા હતા. નૂરમામદને પાણીમાંથી બહાર કાઢી નલિયાની સરકારી હોસ્પિટલે લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. નલિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. મુંદરાના અદાણી પોર્ટમાં ક્રેઈન ઓપરેટર તરીકે કામ કરતો મૂળ રાજુલા તા. અમરેલી હાલે બારોઈ રોડ રહેતો 24 વર્ષીય યુવાન રાજેશ ભુપતભાઈ વેકરીયા ગત તા.12/11થી ગુમ હતો જે અંગે મુંદરા પોલીસ મથકે ગુમ નોંધ નોંધાવાઈ હતી. બીજી તરફ આજે આ રાજેશની કોહવાયેલી લાશ અદાણી પોર્ટના જેટી પાસેના દરિયામાંથી મળી આવતાં તેના ભાઈએ મુંદરા મરીન પોલીસ મથકે વિગતો જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગઢશીશામાં જીતેન્દ્રભાઈ પટેલની વાડીમાં રહેતા મુળ છોટા ઉદેપુર બાજુના રહેતા જેસલ નાયકે ગત તા.10/11ના દારૂના નશામાં કપાસમાં છાંટવાની દવા પી લેતાં તેને ઝેરી  અસર થઈ હતી આથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા ગઈકાલે સવારે સારવાર દરમ્યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે તેના નાના ભાઈ લક્ષ્મણભાઈએ ગઢશીશા પોલીસ મથકે વિગતો જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. અંતરજાળમાં રહેનાર ફરિયાદી મોહન અંબારામ મઢવી (મારાજ) તથા ભારતનગર-9બીમાં રહેનાર જીતેન્દ્ર પ્રજાપતી ગત તા.8/10ના ચોબારી જવા નીકળ્યા હતા ત્યાં ગરબાના કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ ઓપરેટ કરવાનું કામ પતાવી આ બંને બાઈક નંબર જીજે-12-ડીએલ-9727 લઈને પરત આવી રહ્યા હતા ત્યારે મેઘપર કુંજીસર વચ્ચે પહોંચતા આગળ સિગ્નલ કે આડશ વગર ઉભેલા ટ્રેઈલર નંબર જીજે-12-બીઝેડ-5222માં બાઈક ભટકાયું હતું. જેમાં બન્ને આધેડને ઈજાઓ પહોંચી હતી. જીતેન્દ્રભાઈને વધુ ઈજાઓ હોવાથી અમદાવાદ લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમણે 20/10ના છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang