ભુજ, તા. 14 : અંજારના સિનુગ્રામાં ગાંજાની ખેતી અને 16 કિલો
ગાંજો ઝડપાયાના બનાવની શાહી સુકાઈ નથી, ત્યાં આજે ભુજમાં 996 ગ્રામ ગાંજા સાથે બે શખ્સને
એસઓજીએ ઝડપી પાડયા છે. બેમાંનો એક મુખ્ય આરોપી તો અગાઉ પણ માદક પદાર્થ સાથે પકડાયેલો
હોવાથી બે ગુના એનડીપીએસના ઉપરાંત પ્રોહિ. તથા અન્ય એક એમ કુલ પાંચ ગુના નોંધાયેલા
હોવાથી તે રીઢો ગુનેગાર છે. બન્ને આરોપીના બે દિવસ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. નશાખોરી
નાબૂદ કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે પશ્ચિમ કચ્છ એસઓજીના પીઆઈ વી.વી. ભોલા
તથા તેના કર્મચારીઓ કાર્યરત હતા ત્યારે ગઈકાલે એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાને
મળેલી ખાનગી બાતમીના આધારે જી.કે. જનરલ હોસ્પિટલના
ગેટની સામે આવેલી ફૂટપાથ ઉપરથી આરોપી પારસગર ઉર્ફે પારસ રમેશગર ગુસાંઈ (રહે. રઘુવંશીનગર,
ભાનુશાલીનગર પાછળ-ભુજ) અને વિજય રમેશ ટાંક (રહે. વાલ્મિકી નગર, લોટસ કોલોની પાછળ-ભુજ)ને
માદક પદાર્થ ગાંજાનો 996 ગ્રામ જથ્થો જેની કિ. રૂા. 9960ના મુદામાલ સાથે ઝડપી બન્ને વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ
મથકે એન.ડી.પી.એસ. એક્ટ તળે ગુનો દાખલ કરાવાયો છે. માદક પદાર્થ ગાંજા સાથે ઝડપાયેલા
આ બે શખ્સ પૈકી પારસ ઉર્ફે પારસગર વિરુદ્ધ અગાઉ પણ એનડીપીએસના બે ગુના ભુજના બી-ડિવિઝન
પોલીસ મથકે જ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેની વિરુદ્ધ બે પ્રોહિ. એક્ટ તળેના અને અન્ય
એક એમ પાંચ ગુના અગાઉ નોંધાયેલા હોવાથી તે ગુનાહિત ઈતિહાસ ખરડાયેલો છે. આ બન્ને આરોપીઓ પાસેથી રૂા. 9,960નો માદક પદાર્થ ગાંજો ઉપરાંત
એક મોંઘેરો રૂા. એક લાખનો મોબાઈલ તથા રોકડા રૂા. 680 તથા બુલેટ બાઈક કિ.રૂા.
1,50,000 એમ કુલ્લે રૂા. 2,60,640નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પીઆઈ વી.વી. ભોલા, એ.એસ.આઈ. દિનેશભાઈ
ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. ચેતનસિંહ જાડેજા, ગોપાલભાઈ ગઢવી,
રજાકભાઈ સોતા અને મહિપતસિંહ સોલંકી જોડાયા હતા. દરમ્યાન આ ગુનાના બન્ને આરોપીને પોલીસે
ભુજના ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિ.ની કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ
કરતા બે દિવસના એટલે કે તા. 16/11 સુધી રિમાન્ડ મંજૂર થયા છે. સરકાર તરફે સરકારી વકીલ
આર.આર. પ્રજાપતિએ હાજર રહી રિમાન્ડ માટેના મુદાઓની દલીલો કરી હતી. રિમાન્ડ દરમ્યાન
આરોપીઓ પાસેથી વિવિધ વિગતો મેળવાશે. આરોપીઓ આ જથ્થો ગાંધીધામ કાર્ગો ઝુંપડપટ્ટીથી લાવ્યાનું
કહે છે ત્યારે કોના પાસેથી લાવ્યા હતા અને માલ કોને વેચવાના હતા તેમજ આ ગુનામાં અન્ય
કોઈ સામેલ છે કે નહીં તેની વિગતો મેળવાશે.