નવી દિલ્હી, તા. 14 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય
મૂળની પ્રતિભાઓથી પ્રભાવિત છે, તેવી પ્રતીતિ કરાવતા વધુ એક ઘટનાક્રમમાં ટ્રમ્પે તુલસી
ગબાર્ડને અમેરિકાનાં ગુપ્તચર તંત્રનું સુકાન સોંપ્યું છે. રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીના
વડા તરીકે નિયુક્ત તુલસી અમેરિકામાં આટલી મોટી જવાબદારી મેળવનારાં પ્રથમ હિન્દુ મહિલા
સાંસદ બન્યાં છે. આ હાઈપ્રોફાઈલ પદ પર પસંદગી વચ્ચે વાયરલ થયેલા એક વીડિયોમાં પરંપરાગત
હિન્દુ પોષાકમાં તુલસી ગબાર્ડ હરે રામા, હરે
કૃષ્ણાના ભક્તિરસથી તરબોળ ભજનો ગાતાં જોવા મળે છે. તુલસીએ 2022માં ડેમોક્રેટિક પાર્ટી
વતી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દાવેદારી કરી હતી. જો કે, પાછળથી નામ પાછું ખેંચીને પક્ષ
છોડી દીધો હતો. તાજેતરમાં જ રિપબ્લિકન પાર્ટીમાં સામેલ થયા પછી તુલસી ગબાર્ડે ચૂંટણીમાં
ખૂલીને ટ્રમ્પનું સમર્થન કર્યું હતું.