અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : મહારાષ્ટ્રના રાજકીય
વર્તુળોમાં 'વોટ જેહાદ'ના નામથી ચર્ચિત બેન્ક
એકાઉન્ટ કૌભાંડ કેસમાં હવે કેન્દ્રીય તપાસની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તપાસ એજન્સી દ્વારા
14મી નવેમ્બરની સવારથી જ આ કેસમાં 23થી વધુ સ્થળ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહીને અંજામ
આપવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીએ 14 નવેમ્બરે સવારે લગભગ 6:00 વાગ્યાથી ગુજરાતના
અમદાવાદમાં 13 સ્થળે, સુરતમાં 3 સ્થળે, મહારાષ્ટ્રના માલેગાંવ અને નાસિકમાં 2 સ્થળે
તેમજ મુંબઈમાં પાંચ સ્થળે સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી છે. શોધખોળની કાર્યવાહી
દરમિયાન ઘણા હવાલા વેપારીઓના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ એજન્સીના વરિષ્ઠ
સૂત્રોએ જણાવ્યું કે, આ મામલે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાત, ઓરિસ્સા,
પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સાથે કનેક્શન છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં
ક્યા ક્યા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તે ગુપ્ત રાખવામાં આવ્યું છે. મુંબઈમાં છેલ્લા
થોડા સમય પહેલા ભાજપના નેતા કિરીટ સોમૈયા દ્વારા 'વોટ જેહાદ' કૌભાંડના કેસનો પર્દાફાશ
કરવાનો દાવો કર્યો હતો, તેમના દ્વારા એ દાવો કરવામાં આવ્યો હતો કે, હવાલા વેપારીઓ મારફતે
માલેગાંવ સ્થિત એક બેંકમાં આશરે રૂ. 125 કરોડ રૂપિયા જે અલગ-અલગ બેંક ખાતામાં આવ્યા
હતા, પછી અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને તેને વહેંચવામાં આવ્યા હતા. જે હવાલા કારોબાર
સાથે જોડાયેલો મામલો છે અને તે પૈસાની મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા અનેક શંકાસ્પદ રીતે
લેવડ-દેવડ થઈ હોવાનો આરોપ લાગ્યો છે. આ બેંક એકાઉન્ટ કૌભાંડ કેસમાં મુખ્ય આરોપી તરીકે
43 વર્ષીય સિરાજ અહેમદ હારૂન મેમણનું નામ સામે આવ્યું છે, જે ચા અને ઠંડા પીણાની એજન્સી ચલાવવાનું કામ
કરે છે. આ આરોપીએ અનેક ખેડૂતો અને અન્ય ફરિયાદીઓ પાસેથી મોબાઈલ સીમકાર્ડ, આધાર કાર્ડ,
પાન કાર્ડ વગેરે દસ્તાવેજોના આધારે છેતરાપિંડીને અંજામ આપ્યો હતો. વાસ્તવમાં સિરાજ
અહેમદે સેંકડો ખેડૂતો અને અન્ય લોકોને એક નવા મોડલ સાથે કોર્નનો બિઝનેસ કરવાનું અને
તે મોડ્યુલમાંથી અનેકગણી કમાણી કરવાનું સપનું દેખાડ્યું હતું, ત્યાર બાદ એ લોકોના નામ
પરથી સિમ કાર્ડ, આધાર કાર્ડ વગેરે લઈને કરોડો શંકાસ્પદ લેવડ-દેવડની છેતરાપિંડીના મામલાને
અંજામ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ બેંક એકાઉન્ટ કૌભાંડ કેસની પ્રારંભિક તપાસ
દરમિયાન, નેમકો બેંક, ધનરાજ એગ્રો, ગંગાસાગર એન્ટરપ્રાઈઝના નામ પણ સામે આવ્યા છે, જ્યાં
અનેક શંકાસ્પદ રીતે ઘણા બેંક ખાતા ખોલવાનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં નોંધાયેલી એફઆઈઆર
પ્રમાણે સિરાજ અહેમદે પોતે પોતાના નામે અને તેના મિત્રો તથા પરિવારના નામે 12 બેંક
ખાતા ખોલાવ્યા હતા. પરંતુ સૌથી મોટી વાત એ છે કે, જે 14 બેંક ખાતા 23 સપ્ટેમ્બરથી
3 ઓક્ટોબરની વચ્ચે ખોલવામાં આવ્યા હતા અને મહારાષ્ટ્ર ચૂંટણીના ઠીક પહેલાં જ્યારે અચાનક
તે ખાતાઓમાં કરોડો રૂપિયા આવવા લાગ્યા અને અન્ય ખાતામાં ટ્રાન્સફર થવા લાગ્યા ત્યારે
આ મામલો તપાસ એજન્સીના રડાર પર આવ્યો. તપાસ એજન્સી લગભગ 153 બેંક શાખા સાથે સંબંધિત
આ મામલામાં તપાસ પ્રક્રિયાને આગળ વધારી રહી છે. જે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા,
ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર સાથે કનેક્શન ધરાવે છે.