• શનિવાર, 20 એપ્રિલ, 2024

નર્મદા લાઇનમાં ક્ષતિ સર્જાતાં ભુજ ટેન્કર આધારિત

ભુજ, તા. 2 : નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણને પગલે આગામી બે દિવસ ભુજને પાણી નહીં મળી શકે. જો કે, સુધરાઇ દ્વારા આજ બપોરથી લાઇન મરંમતનું કામ શરૂ કરી દેવાયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. ઉનાળાના પ્રારંભ સાથે નર્મદા લાઇનમાં ક્ષતિઓ સર્જાવાનું શરૂ થઇ ગયું છે. થોડા દિવસો પહેલાં કુકમા નજીક લાઇન તૂટતાં ભુજવાસીઓને પાંચથી સાત દિવસ પાણીની કટોકટી ભોગવવી પડી હતી, ત્યાં આજે ફરી ભુજોડી ઓવરબ્રિજ પાસે લાઇનમાં ભંગાણને પગલે અંદાજે બેથી?ત્રણ દિવસ ભુજમાં પાણી વિતરણ ખોરવાશે તેવું સુધરાઇની વોટર સપ્લાય શાખામાંથી વિગતો પ્રાપ્ત થઇ હતી. નગરપાલિકાની લાઇનની સાથોસાથ સાપેડા નજીક પણ નર્મદા લાઇન ક્ષતિગ્રસ્ત બની હોવાનું જાણવા મળ્યું હતું. બંને લાઇનોને રિપેર કરવાનું કામ શરૂ થઇ ગયું હતું. નર્મદા નીર બંધ થતાં ભુજવાસીઓ ટેન્કર પર આધારિત થઇ જતાં તેની વ્યવસ્થા જળવાય તે ખૂબ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજનો આધાર માત્ર નર્મદાના નીર ઉપર છે. મોટાભાગના બોર બિનઉપયોગી બન્યા છે. પાંચ ટાંકાનું આયોજન થયું પણ તેને ભરવા એક નર્મદા લાઇન પર આધારિત હોવાથી ટાંકા પણ બિનઉપયોગી બન્યા છે. માત્ર એક લાઇન પર આધારિત રહેવાને બદલે ધારાસભ્ય સહિતના  રાજકીય અગ્રણીઓ રસ લઇ ઉચ્ચ કક્ષાએથી વધારાના વિકલ્પ સમી અન્ય લાઇન અથવા અન્ય કોઇ ઉકેલનો પ્લાન મંજૂર કરાવે તો  ભુજવાસીઓને નર્મદા પાણીની એક લાઇનના મોહતાજ રહેવું પડે તેવી લોકલાગણી ફેલાઇ છે. ત્રણ-ચાર દિવસ પાણી નહીં મળે તેથી લોકોને કરકસરપૂર્વક પાણીનો  ઉપયોગ કરવા સુધરાઇ દ્વારા  અપીલ કરાઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang