નવી દિલ્હી, તા. 23 : દેશભરની હોસ્પિટલોમાં
દાખલ થતા દર્દીની દવા કરવા સાથે તેનાં ગજવાની પણ ચીરફાડ કરાતી હોવાની રાવો ચોમેર ઊઠતી
રહે છે. આવી હકીકતને સ્વીકારતાં કેન્દ્ર સરકારે દર્દીઓ પાસેથી વધુ પડતા પૈસા વસૂલતી
હોસ્પિટલો પર કાર્યવાહીની ખાતરી આપી હતી. કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ
સ્વીકાર્યું હતું કે, હોસ્પિટલો,
દવા, પરીક્ષણો અને ઓપરેશનના નામે વધુ પડતા પૈસા
લે છે. સર્વોચ્ચ અદાલતમાં સોગંધનામું દાખલ કરતાં કેન્દ્ર સરકારનાં રસયણ અને ખાતર મંત્રાલયે
કહ્યું હતું કે, તમામ હિતધારકો સાથે ચર્ચા-વિચારણા કરીને યોગ્ય
પગલાં લેવા માટે કવાયત હાથ ધરાઇ છે. તમામ દવાઓ અને સારવાર માટે જરૂરી સામગ્રીઓની કિંમતોનીય
મર્યાદા બાંધવાના મુદ્દા પર સોગંધનામું સરકારે કર્યું હતું. સરકારે આ સોગંધનામા મારફતે
જણાવ્યું હતું કે, આપણા દેશમાં સસ્તી દવાઓ બનાવતી કંપનીઓ છે,
પરંતુ દર્દીઓને દવાઓનાં નિર્માણ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. સોગંધનામાના
માધ્યમથી સરકારે કહ્યું હતું કે, ભારતીય દવા બજારમાં ભારે પ્રતિસ્પર્ધા
છે. મોટી સખ્યામાં કંપનીઓ છે. દુનિયામાં સૌથી ઓછી કિંમતે દવા મળી શકે છે. સામાન્ય રીતે
જ્યાં પ્ર્રતિસ્પર્ધા હોય, ત્યાં ભાવ નિયંત્રણની જરૂર જ નથી હોતી,
પરંતુ આરોગ્ય ઉપચાર અને દવાઓમાં દર્દીઓ અને ફાર્મસીઓ, હોસ્પિટલો, તબીબો વચ્ચે જાણકારી અને ભાવ-તાલની અસમાનતા
છે. સરકારે એવું પણ સ્પષ્ટ કબૂલ્યું હતું કે, હોસ્પિટલો એવી જ
દવા નિર્માતા કંપની પાસેથી દવા ખરીદે છે, જે નફામાં ગાળો વધુ
આપે છે. કેન્સરની દવાઓમાં ગાળો 170થી 700 ટકા અથવા
તેનાથી વધુ પણ હોય છે. સારવારની અન્ય સામગ્રીઓ પણ 100થી એક હજાર ટકા કે તેથી પણ વધુ ગાળા હોવા સામાન્ય બની ગયું છે.
સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, અમે 935 અનુસૂચિત
ફોર્મ્યુલેશનની મહત્તમ કિંમતો અને 3881 નવી દવાની છૂટક વેચાણ કિંમતો નક્કી કરી છે.