મુંદરા, તા. 23 : મુંદરામાં પાણીનાં નવા સંપનું લોકોર્પણ થયું, પરંતુ માગણી અને ખાતરી મુજબ નર્મદાનું પાણી
ફાળવવામાં આવતું નથી તેમજ માંડવીમાં વારંવાર ગંભીર અકસ્માતો અને ખાસ કરીને દિવાળીમાં
ટ્રાફિક વધશે ત્યારે બાયપાસ માર્ગને ખુલ્લો કરવા
સહિતના અનેક પ્રશ્નો આજે અહીં મળેલી સંકલન બેઠકમાં ઊઠયા હતા. મુંદરા એસડીએમ
અભિષેકકુમાર સિન્હાનાં અધ્યક્ષસ્થાને આ વખતે મુંદરા તેમજ માંડવી તાલુકાની મળેલી સંયુક્ત
સંકલન બેઠકમાં બંને તાલુકાના વિવિધ પદાધિકારીઓ તેમજ વિવિધ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા, જેમાં બંને તાલુકાના પાણી, વીજળી,
સુરક્ષા, માર્ગ-મકાન વિભાગ સહિતના પ્રશ્નો રજૂ
થયા હતા. જે બાદ નાયબ કલેક્ટર શ્રી સિન્હાએ આ પ્રશ્નોને ત્વરિત ઉકેલવાની વિવિધ તંત્રોને
તાકીદ કરી હતી. સત્તાવાર વર્તુળથી મળતી વિગતો મુજબ, મુંદરા નગરપાલિકા
પ્રમુખ ભોજરાજભાઈ ગઢવીએ મુંદરાનો પાણી પ્રશ્ન ઉઠાવતાં રજૂઆત કરી હતી કે, શહેરની દૈનિક 11 એમએલડીની
જરૂરિયાત છે. જે સામે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા દૈનિક 4.5 એમએલડી નર્મદા પાણી ફાળવવાની
ખાતરી ઉચ્ચારી હતી. જો કે, હાલમાં દૈનિકને
બદલે અઠવાડિયે માંડ દોઢ એમએલડી જેટલું પાણી પહોંચે છે. આગામી સમયમાં સ્થિતિ વિકટ ન
બને એ માટે યોગ્ય પગલાંની તેમણે માગણી મૂકી હતી. આ સિવાય તહેવારોના નિયમિત વીજ પુરવઠો
જળવાઈ રહેવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, વિકટ બનતા
માંડવીના ટ્રાફિકના પ્રશ્ન પર માંડવી પી.આઈ. શ્રી બારોટ દ્વારા દિવાળી સમયને ધ્યાને
લઈને બાયપાસનો રસ્તો હંગામી ધોરણે ખુલ્લો રહેવાનો મત વ્યક્ત કર્યો હતો, જેથી ભારે વાહનો બારોબાર નીકળી જાય તેમજ જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત
કરાઈ હતી. આ બેઠકમાં માંડવી મામલતદાર પ્રદ્યુમનાસિંહ જેઠવા, માંડવી
સુધરાઇ પ્રમુખ વર્ષાબેન જોશી, મુંદરા ચીફ ઓફિસર વૈભવ વ્યાસ સહિત
વિવિધ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.