નવી દિલ્હી, તા. 23 : જુલાઈ મહિનાથી
અત્યાર સુધીમાં ત્રણ ઉચ્ચસ્તરીય બેઠક પછી પણ ભારત અને ચીન વચ્ચે સીમા પર તાણ જારી છે.
અરુણાચલપ્રદેશમાં અનેક સ્થળોએ બન્ને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, સાવ સામસામે આવી ગયા હતા. આ સંઘર્ષ આજની તારીખે
પણ જારી છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના મહાનિર્દેશક શત્રુજિત કપૂરે
કરેલા આ ધડાકાની ધ્રૂજારીથી ભારતીય રાજનીતિમાં ઘમસાણ મચ્યું હતું. આ ધડાકાનો હથિયાર
તરીકે ઉપયોગ કરતાં કોંગ્રેસે મોદીરાજ પર પ્રહારો કર્યા હતા. પોતાની નિવૃત્તિના સાત
દિવસ પહેલાં આ ખુલાસો કરતાં આઈટીબીપીના ડીજી કપૂરે સૂચન કર્યું હતું કે, ગલવાન ખીણ જેવા સંઘર્ષનું પુનરાવર્તન ટાળવા માટે ભારતે ધ્યાન `ડ્રોન ફોર્સ' પર કેન્દ્રિત કરવું જોઈએ. કપૂરે પહેલીવાર જાહેરમાં
માન્યું હતું કે, જુલાઈ મહિનાના અંતથી અરુણાચલપ્રદેશના સુબનસિટી
જિલ્લાના આસાફિલા અને માજા ક્ષેત્રોમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ બની
રહી છે. આઈટીબીપી વડાની ચીની સૈનિકો સાથે અથડામણની કબૂલાત બાદ આ તક ઝડપી લેતાં કોંગ્રેસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે વડાપ્રધાન મોદી સીમાએ સ્થિતિ
પર સર્વગ્રાહી નિવેદન કરી દેશ અને સંસદને વિશ્વાસમાં લે તેવી માંગ કરી હતી. મુખ્ય વિપક્ષે
ચીની રાષ્ટ્રપતિ સાથે વાતચીત દરમ્યાન સીમાની આ પ્રશ્ન નહીં ઊઠાવવા બદલ મોદી `ડરપોક'
હોવાનો આરોપ મૂક્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું
હતું કે, અરુણાચલપ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે, ત્યારે ચીની સૈનિકો સાથે આ ક્ષેત્રમાં ઘર્ષણ જેવા ગંભીર મુદ્દે સરકાર દેશને
અંધારામાં શા માટે રાખે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શત્રુજિતનાં
નિવેદન પર જવાબ આપતાં જણાવ્યું હતું કે, વાસ્તવિક અંકુશરેખાની
સમય સમય પર સ્થિતિ ત્યારે બગડે છે, જ્યારે ચીનની સેનાઓ પોતાની
નિર્ધારિત પેટ્રોલિંગ પ્રક્રિયાની મર્યાદા ઓળંગે છે.