• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

આનંદો.. દિવાળી તહેવારો પૂર્વે સોના-ચાંદીમાં ઘટાડો

ભુજ, તા. 23 : દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકોની પ્રિય વસ્તુ સોના-ચાંદીના ભાવો ગગડી જતાં ગ્રાહકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. મધ્ય-પૂર્વમાં તણાવ જેવી સ્થિતિના કારણે ક્રૂડ ઓઈલના વધતા જતા ભાવોના કારણે મોંઘવારી વધવાની ધારણાએ શુક્રવારે દિવાળી પર્વ પહેલાં કિંમતી ધાતુ સોના-ચાંદીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. દેશમાં મલ્ટિ કોમોડિટી એક્સચેન્જમાં શુક્રવારે સોના-ચાંદીના વાયદામાં ઘટાડાને પગલે ચાંદી એક કિલોના ભાવ બે લાખથી નીચે સરકી 11 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યા હતા, તો સોનામાંયે 10 ગ્રામે 1900 જેટલો ઘટાડો  થઈ 1.46 લાખ નજીક સરક્યો હતો. આ ભાવો ઘટવા પાછળ ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ વકરવાની ભીતિએ ક્રૂડ ઓઈલમાં ભાવવધારાને પગલે વૈશ્વિક મોંઘવારી વધવાની ચિંતા જવાબદાર છે, તો મોંઘવારીના કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ બેંક લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રાખી શકે તેવી ધારણાએ સોના-ચાંદીમાં દબાણ સર્જ્યું છે. આમ તો સોનું સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, પરંતુ વર્તમાન સમયમાં ક્રૂડ ઓઈલના ભાવવધારાને પગલે મોંઘવારી વધી શકે તેવા અનુમાને તેમજ અમેરિકી ફુગાવાના કારણે વ્યાજદર વધવાથી રોકાણકારો અન્ય વિકલ્પ તરફ વળતાં સોના-ચાંદીની ચમક ઝાંખી પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026ની શરૂઆતથી સોનું કોમેક્ષે 5420 ડોલર, જ્યારે ચાંદી 120 ડોલરની ઉચ્ચ સપાટીએ પહોંચ્યા હતા, જે વર્ષના અંતે ઘટાડા ભણી જઈ રહ્યા છે. ભારતમાં દિવાળીના દિવસોમાં આમેય સોના-ચાંદીની ખૂબ જ ખરીદી થતી હોય છે, ત્યારે ભાવમાં ઘટાડો થતાં માંગ વધવાની સંભાવનાએ વેપારીઓમાંયે લાંબા સમય પછી ઘરાકી જામવાની આશા બંધાઈ છે. સ્થાનિક બુલિયન બજારમાં દસ ગ્રામ સોનું 999ના ભાવોમાં રૂા. 1900નો મોટો ઘટાડો થઈ 1,46,400 ભાવ રહ્યા હતા, તો ચાંદી ચોરસા એક કિલોના ભાવોમાં રૂા. 6500 ઘટી 1,97,500ના ભાવ રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd