ભુજ, તા.23 : પોસ્ટ વિભાગમાં મોટા વહીવટી
ફેરફારોનો દોર આગળ વધ્યો છે. કચ્છના બે ડિવિઝન અને કેટલાક સબ ડિવિઝનમાં બદલાવ બાદ હવે
ટપાલીઓ માટે નવી વ્યવસ્થા અમલી બની રહી છે, જે અંતર્ગત જે-તે વિસ્તારના પોસ્ટમેને હવે બ્રાન્ચ ઓફિસોમાંથી નહીં,
પણ તેને લાગુ પડતી હેડ પોસ્ટ
ઓફિસ અથવા સબ પોસ્ટ ઓફિસથી જ ટપાલ-કવરો કલેક્ટ કરીને વિતરણ કરવાનું રહેશે. પોસ્ટ વિભાગ
કહે છે કે, આ વ્યવસ્થાને લીધે સોર્ટિંગ બાદ ટપાલ-કવરોને,
ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં જે કલાકોનો
વિલંબ થતો હતો તે હવે નહીં થાય અને તેના બિલ વગેરેની પ્રક્રિયા પણ સીધી હેડ ઓફિસોમાં
થશે. જો કે, કેટલાક ગામો અંતરિયાળ છે ત્યાંથી ટપાલીઓએ ખુદ આવીને હેડ કે સબ ઓફિસોમાંથી આર્ટિકલો કલેક્ટ કરવા
પડશે અને પછી હિસાબ માટે ફરી એ જ કચેરીઓમાં આવવાનું થાય તો લાંબી મુસાફરીમાં જ ઘણો
સમય નીકળી જશે અને મુસાફરી ખર્ચના રૂપે આખરે તો પોસ્ટ વિભાગ પર ભારણ વધે તેવી પણ શક્યતા
છે. માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર ગાંધીધામનું નવું ડિવિઝન ઊભું કરવાની કામગીરી
ઝડપભેર ચાલી રહી છે અને ઉપરથી સૂચના તો એવી છે કે માસાંત સુધી તેને કાર્યરત કરી દેવાની
છે. એ ઉપરાંત હવે દિલ્હીથી પોસ્ટલ ડાયરેક્ટરેટથી
આવેલી સૂચના મુજબ ટપાલો સોર્ટિંગ બાદ એ જ દિવસે જે તે ગામમાં ઘરોઘર પહોંચી જાય તેવા
હેતુ સાથે ટપાલીઓને હેડ ઓફિસ અને સબ ઓફિસો સાથે જોડી દીધા છે અને બ્રાન્ચ ઓફિસોને ટપાલ
વિતરણની કામગીરીથી અલગ કરી નાખવામાં આવી રહી છે. જેમ કે, ભુજ
હેઠળ 16 બ્રાન્ચ ઓફિસ છે તો તે વિસ્તાર
માટેના ટપાલીઓએ ભુજ એચ.ઓ.માંથી કલેક્ટ કરવાની, વિતરણ કરીને ફરી હેડ ઓફિસને તેનો હિસાબ આપવાનો થશે. છેક કુનરિયા સુધી આવી વ્યવસ્થા લાગુ થશે. જો કે,
લોડાઈ અને નિરોણાને પણ ટપાલ-કવરોના કલેક્શનમાં સરળતા રહે એ માટે સેન્ટર
બનાવવાની પણ વાત છે. પણ જે વિસ્તારોમાં પોસ્ટની વેન દ્વારા ટપાલ-કવરો પહોંચતા નથી ત્યાં
ટપાલીઓએ એ જ દિવસે ટપાલ પહોંચાડવાની રહેશે જે માટે તેમને કિલોમીટર દીઠ સાડા ત્રણથી
ચાર રૂપિયાનું ભથ્થું અપાશે.