મુંદરા, તા. 23 : નવરાત્રિ અવસરે ગુજરાત સહિત
દેશના વિવિધ પ્રદેશોમાંથી લાખો શ્રદ્ધાળુએ માતાના મઢ ખાતે મા આશાપુરાનાં ચરણોમાં શીશ
ઝુકાવ્યા અને અનેક શ્રદ્ધાળુઓએ પદયાત્રા કરી દર્શનનો લાભ લીધો હતો. આ દરમિયાન, ભુજ રનર્સના સભ્યોએ ભુજથી માતાના મઢ સુધીની
કઠિન યાત્રા દોડીને પૂર્ણ કરી એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હતી. આ યાત્રા પૂર્ણ કરવામાં
ઓછામાં ઓછા 17 કલાકનો સમય
લાગ્યો હતો. આ સાહસિક યાત્રા દ્વારા તેમણે શ્રદ્ધા,
શારીરિક ક્ષમતા, સહનશક્તિ અને દૃઢ મનોબળનું ઉદાહરણ
પૂરું પાડયું હતું. આ યાત્રામાં માનકૂવાના આનંદ બારમેડા, સીએ
જગદીશ હિરાણી અને હાર્દિક અબોટી, ભુજના ગુલાબરાવ ભૂટેકર અને પવન
પરમાર તથા માધાપરના ગૌરાંગ જોશી જોડાયા હતા. આમ, આ અનોખી પહેલ દ્વારા ભુજ રનર્સના
સભ્યોએ રમતગમત સાથે ધાર્મિક શ્રદ્ધાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો.