ભુજ, તા. 23 : તાલુકાના માધાપરમાં આવેલી મતિયા
કોલોની રહેતા અને ગત 29-9ના ગુમ થયેલા
લક્ષ્મીબેન રવજીભાઈ જોગી (ઉ.વ. 39)નો કોલોની
વિસ્તારના પાછળના ભાગેથી કોહવાયેલો મૃતદેહ મળતાં ચકચાર મચી હતી. માધાપર પોલીસે મૃતદેહને
ફોરેન્સિક તપાસ માટે જામનગર મોકલવા સહિતની કાર્યવાહી અર્થે ભુજની જી.કે. નજરલ હોસ્પિટલ
ખસેડયો હતો.આ મામલે માધાપર પોલીસ મથકના ઈન્ચાજ પીઆઈ શ્રી ખાંટે આપેલી વિગતો મુજબ, હતભાગી મહિલા ગત તા. 29-9ના ઘરેથી કોઈને પણ કહ્યા વિના
ચાલ્યા ગયા હતા. ગુમનોંધના આધારે પોલીસે પરિણીતાની તલાશ આદરી હતી, જેમાં શુક્રવારે સાંજના અરસામાં પોલીસકર્મીઓ
મતિયા કોલોનીની પાછળના વિસ્તારમાં છાનબીન કરી રહ્યા હતા, ત્યારે
સ્મશાન પાછળ બાવળની ઝાડીઓમાંથી લક્ષ્મીબેનની લાશ મળી આવી હતી. જે સ્થળેથી કોહવાયેલી
હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, ત્યાં એક ફાંસો બાંધેલો મળ્યો
છે, જેથી આ બનાવ આત્મહત્યાનો છે કે હતભાગી મહિલાની હત્યા કરાઈ
છે તે અંગે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ સચોટ કારણ બહાર આવશે તેમ પણ પોલીસ અધિકારીએ
ઉમેર્યું હતું. લાશ મળ્યા બાદ સેવાભાવી સંસ્થા માનવજ્યોતને જાણ કરાતાં પ્રબોધ મુનવર,
રસિક બાવા અને રસિક જોગી સહિતના ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને
પીએમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવા સહિતની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.