ગાંધીધામ, તા. 23 : સામખિયાળીમાં ચાની હોટલની આડમાં
ગ્રાહકોને ગાંજો વેચતા શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 14,750નો 295 ગ્રામ ગાંજો જપ્ત કરાયો હતો.
સામખિયાળી પોલીસ મથકથી એક કિ.મી. દૂર સામખિયાળી-ભચાઉ માર્ગ હરિઓમ કાંટાની બાજુમાં ચાની
હોટલ આગળથી લલિયાણાના વાલા ખીમા કેરાસિયાને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી થેલીમાંથી
નાની 59 પડીકી મળી આવી હતી, જેમાં સૂકો ગાંજો હોવાનું બહાર આવ્યું હતું.
એફ.એસ.એલ. અધિકારીએ અહીં આવીને પૃથક્કરણ કરતાં આ પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું
હતું. આ શખ્સની હરિઓમ કાંટા પાસે હોટેલ આવેલી છે, તેની આગળ ટ્રકો
ઊભી રહે છે. એક ટ્રકચાલક સાથે ઓળખાણ થયા બાદ 15-20 દિવસ પહેલાં તે આ ગાંજો આપી
ગયો હતો અને પકડાયેલો આરોપી પોતાના ગ્રાહકોને એક પડીકી રૂા. 150માં વેચતો હોવાનું બહાર આવ્યું
હતું.