• શનિવાર, 18 જુલાઈ, 2026

જૈશ-એ-મોહમ્મદના વધુ પાંચ આતંકી સકંજામાં

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ પાંચ આતંકીને સિદ્ધપુર, વડગામ અને ભરૂચમાંથી ઝડપી લીધા છે. આ આતંકવાદીઓ બ્લાસ્ટ કરવા માટે પરીક્ષણ કરી રહ્યા હોવાનો અને ઇમ્પ્રોવાઇઝડ એક્સપ્લોસિવ ડિવાઇસ (આઇઇડી) બનાવવાનો પ્રયાસ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મદ્રેસાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આતંકવાદી સંગઠન સાથે જોડવા માટે દાવત આપીને તેમનું પણ બ્રેઇનવોશ કરતા હતા. તમામ સંવાદ સોશિયલ મીડિયા પર કોડ સાથે કરવામાં આવતો હોવાની વિગતો મળી છે. આ આતંકવાદીઓએ ત્રણ વખત દાવત આપી હતી. આ ઉપરાંત તેમની પાસેથી આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના પુસ્તકો અને જેહાદને લગતું મટીરિયલ પણ મળી આવ્યું છે. તેમને અઝહર મસૂદને લખેલા પત્રોની નકલો પણ મળી આવી છે. અગાઉ આ જ મોડયુલના આઠ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.  જેમની પૂછપરછમાં ખૂલેલી વિગતોના પગલે આ કાર્યવાહી થઇ છે. જેને પગલે આ ઓપરેશન હેઠળ કુલ ધરપકડ કરાયેલા આતંકીઓનો આંક 13 પર પહોંચ્યો છે, જેમાંથી ઘણા પાકિસ્તાની આતંકવાદી સંગઠનના માણસો સાથે સીધો સંપર્ક ધરાવતા હોવાની વિગતો સામે આવી રહી છે. દાવત આપીને તથા સોશિયલ  મીડિયાના પ્લેટફોર્મથી યુવાનોને આતંકવાદી સંગઠનમાં જોડવાના નવા મોડયુલનો એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.  આ મામલે એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, એટીએસની ટીમે પખવાડિયા અગાઉ આઠ આતંકવાદીને ઝડપી લીધા હતા. તેમની તપાસ માટે એટીએસ દ્વારા એસીપી શંકર ચૌધરી, હર્ષ ઉપાધ્યાય, એસીપી પરમાર અને કે.પી. પટેલની ટીમો બનાવવામાં આવી હતી. તેમની પૂછપરછ કરતાં અને તેમની પાસેથી મળેલા ડિજિટલ પુરાવા, મોબાઇલ ડેટા અને નિવેદનોના આધારે નવા પાંચ આતંકવાદીની સંડોવણી છતી થઈ હતી. જેને પગલે તેમને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયેલા બિલાલ, ઐયુબ કડીવાલ, ઐયુબ સુણસરા, શફી રઈસ અને હસન કરડિયાની તલાશી લેતાં પણ પોલીસને ઘણી વિગતો મળી આવી છે.  એટીએસને આતંકવાદીઓના મોબાઇલ ફોનમાંથી મોટી માત્રામાં જેહાદી સાહિત્ય, બોમ્બ બનાવવાની માર્ગદર્શિકા, આઈઈડી તૈયાર કરવાની પીડીએફ ફાઇલો તેમજ આતંકવાદી વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી મળી આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આતંકવાદીઓ છેલ્લા ત્રણ વર્ષથી બોમ્બ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે જુદા-જુદા સ્થળોએ વિસ્ફોટકોના પરીક્ષણ પણ કર્યા હતા. તેમણે અત્યાર સુધીમાં સિદ્ધપુર આસપાસ આઠ અલગ-અલગ અવાવરુ સ્થળોએ બ્લાસ્ટના ટેસ્ટ કર્યા હતા. જો કે, બાદમાં વિસ્ફોટની સામગ્રી પણ ત્યાં જ ફેંકી દીધી હતી.  બ્લાસ્ટ માટે તેઓ એવી જગ્યાઓ પસંદ કરતા હતા જ્યાં ધડાકાનો અવાજ સામાન્ય લોકોને સંભળાય નહીં અને તેમનો પ્લાન ગુપ્ત રહી શકે. આરોપીઓના મોબાઇલમાંથી મળેલા સાહિત્યમાં વિવિધ પ્રકારના બોમ્બ બનાવવાની રીતો, વિસ્ફોટક સામગ્રીના ઉપયોગ અને આતંકી પ્રવૃત્તિઓ માટેની માર્ગદર્શિકા પણ મળી આવી છે.  એટીએસ ડીઆઈજીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ મળીને ગન પાઉડર બનાવતા હતા. તેના માટે પોટેશિયમ નાઇટ્રેટ અને સલ્ફર જેવી સામગ્રી ઓનલાઈન તેમજ શહેરના બજારમાંથી ખરીદવામાં આવતી હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીઓએ ટાઈમર ડિવાઈસ પણ ખરીદ્યા હતા અને આઈઈડી તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્ય આરોપી મોહમ્મદ અમીન પાસેથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી, જ્યારે મોહમ્મદ ઐયુબ કડીવાલાએ તે સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સફળ રહ્યો ન હતો. બાદમાં આ સામગ્રી અન્ય આરોપી બિલાલ આબિદ શેખ સુધી પહોંચાડવામાં આવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આતંકવાદીઓ `અકેલા મુઝાહિદ જેહાદ કૈસે કરે' નામના પુસ્તકના આધારે બોમ્બ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેના આધારે વિસ્ફોટકો બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા. તપાસમાં બિલાલ શેરાએ અગાઉ ઝડપાયેલા મોહમ્મદ અમીન શેરાને પેન ડ્રાઇવ આપી હતી, જેમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મસૂદ અઝહરના જેહાદી ભાષણોના વીડિયો અને અન્ય જેહાદી પુસ્તકોની વિગતો હતી. ઉપરાંત મોહમ્મદ ઐયુબ કડીવાલાએ પણ કબૂલાત કરી હતી કે, તેણે મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ ગાંજીવાલા સહિત અન્ય આરોપીઓ સાથે મસ્જિદમાં ભેગા થઈ જેહાદ અંગે ચર્ચાઓ કરી હતી અને આઈઈડી એસેમ્બલ કરીને બ્લાસ્ટ કરવાની પદ્ધતિઓ શીખી હતી.  

Panchang

dd