ગાંધીધામ, તા. 17 : અહીંના કંડલા વિશેષ આર્થિક
ક્ષેત્ર જે દેશના આર્થિક વિકાસનું ગ્રોથ એન્જીન ગણાય છે તે હવે કસ્ટર ડયુટી ચોરી અને
ગેરકાયદે સોપારીના કાળા બજારનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ
દિવસથી ડી.આર.આઈ.ની ટીમે કાસેઝની એક કંપનીમાં આકસ્મિક કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
જો કે કાસેઝ તંત્રએ તેને રૂટીન કાર્યવાહી ગણાવી હતી. ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સીની
ટીમે બાતમીના આધારે કાસેઝની સંબંધિત કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે સૌ કોઈ
ચૌકી ઉઠયા હતા. કાગળ પર જે સોપારીનો જથ્થો હોવો જોઈતો હતો તેના કરતા પ્રત્યક્ષ તપાસમાં
ખુબ જ ઓછો જથ્થો મળી આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ગુણવત્તાયુક્ત
વિદેશી સોપારી ગોદામમાંથી ગાયબ જણાઈ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. આ કાર્યવાહીએ કાસેઝની
સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ખડા કર્યા હોવાનું બહાર આવ્યું છે. નિયમ મુજબ કાસેઝમાં
વિદેશથી કાચોમાલ માત્ર પ્રોસેસિંગ અને પુન:નિકાસ કરવા માટે જ મંગાવી શકાય છે તેના પર
સ્થાનિક બજારમાં વેચાણ માટે સખત પ્રતિબંધ અને અધધ કસ્ટમ ડયુટી હોય છે. પરંતુ અહીં ખુલ્લેઆમ
કાયદાના ધજાગરા ઉડાવાઈ રહ્યા હોવાનો દાવો સૂત્રોએ કયા :હતો. અને વિદેશથી સોપારી મંગાવી
તેને કંપનીમાં વાપરવામાં આવી રહી હોવાનું કાગળ પર દર્શાવી તે જથ્થો કસ્ટમ ડયુટી ચુકવ્યા
વિના જ બારોબાર સ્થાનિક બજારમાં ધકેલી દેવામાં આવે છે. આ આખો ખેલ કાસેઝ, કસ્ટમ તંત્રની નાકની નીચે વર્ષોથી ચાલી રહ્યો
હોવાનું સૂત્રો ઉમેરી રહ્યાં છે આવામાં સતાધીશોની ઘોર બેદરકારી દર્શાવે છે અથવા મિલિભગતની
ચાડી ખાય છે. થોડા સમય પહેલા સાયબર ક્રાઈમની ટીમે આધોઈ નજીકથી કરોડોની કિંમતની ગેરકાયદેસર
સોપારી ભરેલું કન્ટેઈનર ઝડપી પાડયું હતું. આ કેસના તાર કાસેઝ સાથે જોડાયેલા હોવાનું
મનાય છે. જો કે સરકારી તંત્રની ઢીલિ નીતિના કારણે મસમોટા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હજુ
કાયદાના સકંજાથી દૂર છે. તેને પકડવા બે વખત પોલીસ ઉત્તરપ્રદેશના આંટાફેરા કરી આવી છે.
પરંતુ દર વખતે ખાલી હાથે પરત ફરવું પડયું છે. આવા ગુનેગારો કાયદા કરતા બે કદમ આગળ ચાલી
રહ્યાં છે અને તેમને કોઈ મોટા માથાઓનું પીઠબળ હોવાનું મનાય છે. જાણકારોના મતે સમયસર
કાસેઝમાં ચાલતા આવા કૌભાંડો પર કડક લગામ કસવામાં નહીં આવે તો સરકારને કરોડો રૂપિયાની
રાજસ્વની નુકસાની તો જશે જ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કાસેઝની વિશ્વનીયતા પર પણ કાયમી
ડાઘ લાગી શકે તેમ હોવાનું જણાવાયું હતું. આ અંગે કાસેઝના પ્રવક્તાનો સંપર્ક કરતા કાસેઝની
એક કંપનીમાં ડી.આર.આઈ. આવી હતી અને તે રૂટીન તપાસ હોવાનું જણાવ્યું હતું.