વિશ્વમાં અને તેમાં પણ ભારત જેવા વિકસતા મિત્ર દેશની સામે વારંવાર
ટેરિફનો હાઉ ઊભો કરતા રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે ટેરિફની
તલવાર હવે બુઠ્ઠી થઈ ગઈ હોવાનું ભાન કરાવવું શરૂ કરી દીધું છે. એક તરફ અમેરિકા સાથેના વેપાર કરારને તેની શરતો પોતાને
ગળે ઊતરતી ન હોવાની સ્પષ્ટ વાત સાથે ભારત સરકારે તેના પર સહીને ટાળી દીધી છે, તો બીજી તરફ યુકેની સાથે મુક્ત વેપાર કરાર
(એફટીએ) કર્યો છે. રશિયા પાસેથી ક્રૂડ તેલની ખરીદી કરતા દેશોની ઉપર 100 ટકા ટેરિફ લાદવાના ઈરાદા જાહેર
કરીને ટ્રમ્પે ભારત સહિતના દેશોને ધમકી આપી છે, પણ હવે ભારત આર્થિક રીતે એટલો શક્તિશાળી
છે કે, તે આ ધમકીને ગણકારે તેમ નથી. અમેરિકાની સંસદમાં
એક ખરડો રજૂ થયો છે, જેમાં રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદતા દેશો
ઉપર 100 ટકા ટેરિફ લાદવાની જોગવાઈ છે. આ ખરડા પાછળનો જાહેર ઈરાદો રશિયાને ક્રૂડની આવકથી
વંચિત કરીને આર્થિક રીતે નબળા પાડવાનો છે, પણ તેની સાથોસાથ આ પ્રસ્તાવિત ટેરિફ તળે આવતા ભારત સહિતના દેશો પર આર્થિક દબાણ
ઊભું કરવાનો અમેરિકાનો ઈરાદો સ્પષ્ટ રીતે કળી શકાય તેમ છે. આખી દુનિયા જાણે છે કે, રશિયા
પાસેથી સસ્તું ક્રૂડ આયાત કરીને ભારતે તેની આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો છે. હવે
અમેરિકા જો 100 ટકા ટેરિફ
લાદે તો ભારતની અમેરિકા થતી નિકાસ પર અસર પડે અને આવક ઘટી જાય. અમેરિકા તેની સાથેના
વેપાર કરારમાં ભારતની આનાકાની બાદ આર્થિક દબાણ ઊભું કરવા ટેરિફનો હાઉ બતાવી રહ્યંy હોય તેમ જણાય છે. ઉલ્લેખનીય છે કે, ભારત પર અગાઉ લગાવેલી ટેરિફથી અમેરિકાને પણ
આર્થિક પડકારનો સામનો કરવો પડયો હતો. હવે બીજી વખત આમ કરીને આ સ્થિતિનું પુનરાવર્તન
થઈ શકે છે. જો કે, આ વખતે એક નોંધપાત્ર હકીકત એ છે કે,
ભારત અમેરિકાના દબાણની સામે વધુ કડક વલણ લેવા સજ્જ છે. ભારતે અમેરિકાના
પડકારની સામે સજ્જ થવા છેલ્લા થોડા સમયથી કમર કસી લીધી છે. આ સંદર્ભમાં યુરોપીયન સંઘથી
માંડીને ચાવીરૂપ દેશોની સાથે એફટીએ કર્યા છે.
આ શ્રંyખલામાં હવે
યુકે સાથેનો કરાર ઉમેરાયો છે. આમ અમેરિકા સાથેની
નિકાસ પર અસર પડે તો પણ ભારતને કોઈ ફરક પડે તેમ નથી. અમેરિકા સાથે મુક્ત વ્યાપાર કરાર
થાય ત્યારે ખરા. તારીખ પે તારીખ પડયા કરે છે ! પણ આપણે યુ.કે. સાથે કરેલા કરારનો અમલ
તાત્કાલિક શરૂ થઈ ગયો છે. બુધવારે કરાર ઉપર સહી-સિક્કા થયા અને તે જ દિવસે મુહૂર્તના
સોદાની જેમ ભારતે 14 કરોડ ડોલરના
માલસામાનની નિકાસ કરી છે. વડાપ્રધાન મોદીએ કરારને વધાવતાં કહ્યું છે કે, આ કરાર અને સામાજિક સલામતીની સમજૂતી બંને દેશ
વચ્ચેના આર્થિક સંબંધ ગાઢ બનાવશે અને લોકો માટે નવા અવકાશ અને અવસર પૂરા પાડશે. કોમ્પ્રિહેન્સિવ
આર્થિક અને વ્યાપાર કરારથી આપણા કિસાનો, ઔદ્યોગિક સાહસિકો અને
મધ્યમ ઉદ્યોગોને યુ.કે.ની બજારમાં પ્રવેશ મળશે. ટેક્નોલોજીમાં સહકાર અને સહયોગ વિસ્તરશે.
આપણા કારીગરોના કૌશલને માન્યતા મળશે. વડાપ્રધાન મોદી કહે છે કે, આપણા બંને દેશની લોકશાહી એકબીજામાં વિશ્વાસને દૃઢ બનાવે છે. વ્યાપાર કરારથી
આપણી ભાગીદારી વધુ વ્યાપક બને છે. ભાગીદારીથી સમૃદ્ધિ વધવા પામશે. ભારતે હવે તેની આર્થિક
અને વ્યૂહાત્મક તાકાતનો ઉપયોગ કરવો શરૂ કર્યો છે. અમેરિકાનાં દબાણને વશ થયા વગર દેશહિતના
જતનનો વડાપ્રધાન મોદીનો ઈરાદો હવે સ્પષ્ટ રીતે કળાઈ રહ્યો છે. આવનારા સમયમાં ટ્રમ્પ
100 ટકા ટેરિફ લાદે તો પણ ભારતને
તેનાથી કોઈ ફરક પડશે નહીં ઊલટું અમેરિકાને આર્થિક બોજો આવી શકે તેમ છે. ભારતથી થતી ચાવીરૂપ આયાત મોંઘી થાય તો ત્યાંના વેપાર
પર બોજો આવી શકે તેમ છે. આમ આવનારા સમયમાં ટ્રમ્પ અને અમેરિકાને હવે ભાન થશે કે ભારત
પર ટેરિફની ધમકી કે અન્ય કોઈ દબાણ હવે કામ કરે તેમ નથી.