• રવિવાર, 19 જુલાઈ, 2026

કચ્છમાં જુદા-જુદા બનાવોમાં પાંચ લોકોના જીવ ગયા

ગાંધીધામ, તા. 17 : ભુજના હોન્ડાના શો-રૂમની સામે ભુજ-માંડવી માર્ગ પર બોલેરોએ દ્વિચક્રી વાહનને હડફેટમાં લેતાં અરુણસિંહ રાજેન્દ્રસિંહ પરમાર નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ ભુજ-નલિયા ધોરીમાર્ગ રોહા (તળેટી) નજીક બલ્કર હડફેટે બાઈકચાલક શામજી દાદુ મહેશ્વરી (ઉ.વ. 39) નામના યુવાને જીવ ખોયો હતો. ભુજના દેશલપર નજીક ઈનોવા કારની હડફેટે ચડનાર બાઈકસવાર અશ્વિન ખમીશા ઉર્ફે બાબુ કોળીએ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો તેમજ રાપરના ધબડા ગામે વાયરિંગનું કામ કરતી વખતે વીજશોક લાગતાં બાબુ દેવજી બગડા (ઉ.વ. 47)એ જીવ ખોયો હતો અને અંતરજાળમાં અંજલિ દિનેશ શ્રમાળી (ઉ.વ. 22) નામની યુવતીએ ફાંસો ખાઈ જીવ દીધો હતો. ભુજનાં હોન્ડાના શો-રૂમ સામે ભુજ-માંડવી માર્ગ ઉપર આજે જીવલેણ બનાવ બન્યો હતો. એક્ટિવાથી જઈ રહેલા અરુણસિંહ પરમારને બોલેરો ગાડીએ હડફેટમાં લેતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેનો મિત્ર હાર્દિક ગુસાઈ તેને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં ફરજ પરના હાજર તબીબે આ યુવાનને તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની તપાસ હાથ ધરી હતી. વધુ એક બનાવ ગત તા. 15/7ના રાત્રે ભુજ-નલિયા માર્ગ પર રોહા તળેટી લીલાવતી પેટ્રોલપંપ નજીક બન્યો હતો. રોહા (સુમરી)માં રહેનાર શામજી મહેશ્વરી સુખપર (રોહા) ગામે ગયો હતો ત્યાંથી બાઈક નંબર જી.જે.-12-ઈબી-3996 લઈને પરત આવી રહ્યો હતો દરમ્યાન ડાંગર લોજિસ્ટિકના બલ્કર નંબર જી.જે.-39-ટી-6565એ બાઈકને હડફેટમાં લેતાં બાઈકચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બલ્કરચાલક સામે રવજી નરશી મહેશ્વરીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ એક જીવલેણ બનાવ ભુજ-નલિયા માર્ગ દેશલપર ચેક પોસ્ટની સામે બન્યો હતો. ડાકડાઈમાં રહેનાર અશ્વિન અને કૌટુંબિક ભાઈ રોહિત કોળી બાઈક નંબર જી.જે.-12-એચઈ- 1326 લઈને વડવા (કાંયા) ગયા હતા, ત્યાંથી આ બન્ને પરત આવી રહ્યા હતા અને દેશલપર નજીક પહોંચ્યા હતા ત્યારે ભુજ બાજુથી આવતી ઈનોવા કાર નંબર જી.જે.- 27-બીએસ-5551એ બાઈકને હડફેટમાં લીધી હતી. અકસ્માતમાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં અશ્વિનએ તા. 16/7ના સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. કારચાલક સામે પુરબાઈ ખમીશા ઉર્ફે બાબુ અલી કોળીએ ફરિયાદ નોંધાવી હતી. અપમૃત્યુનો એક બનાવ રાપરના ધબડા ગામે બન્યો હતો. બેલા ગામમાં રહેનાર બાબુ બગડા નામના આધેડ ધબડા ખાતે મકાનમાં વાયરિંગનું કામ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે બપોરે તેમને વીજશોક લાગતાં તેમનું મોત થયું હતું. બનાવ અંગે બાલાસર પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ ગાંધીધામ અંતરજાળની બજરંગીધામ-2 સોસાયટીમાં ગઈકાલે સાંજે બનાવ બન્યો હતો. અહીં રહેનાર અંજલિ નામની યુવતી પોતાના ઘરે હતી દરમ્યાન તેણે અગમ્ય કારણોસર બારીની ગ્રિલમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd