નવી દિલ્હી, તા. 17 (વિશેષ પ્રતિનિધિ
તરફથી) : કેન્દ્ર સરકારે 20મી જુલાઇથી
શરૂ થતાં સંસદનાં ચોમાસું સત્ર માટેનો એજંડા નક્કી કરી નાખ્યો છે. સરકાર લોકસભામાં
સાત વિધેયક રજૂ કરશે. વંદે માતરમ્ના અપમાન અને વિદેશી ભંડોળ કાયદામાં સુધારા સાથે જોડાયેલા
ખરડા પણ સામેલ રહેશે. વિધેયકોની અસ્થાયી યાદીમાં હજુ નારી સંશોધન કે સીમાંકન વિધેયકનો
ઉલ્લેખ કેન્દ્ર સરકાર તરફથી કરાયો નથી. સંસદનું ચોમાસુ અધિવેશન શરૂ થવાનું છે એના પગલે
દિલ્હીમાં રાજકીય ધમધમાટ શરૂ થયો છે. સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓ પોતાના એજન્ડાને
ધાર આપવામા વ્યસ્ત છે. કેન્દ્ર સરકાર વિકાસ કામો અને સંસદની વ્યૂહરચના માટે બેઠકો કરી
રહી છે તો વિપક્ષો સરકારને વિભિન્ન મુદે ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. સતત બેઠકોના
ધમધમાટથી લાગી રહ્યું છે કે સંસદનું ચોમાસુ અધિવેશન માત્ર સામાન્ય કાર્યવાહી સુધી સીમિત
નહીં રહે, રાજકીય
અને બંધારણિય વિષયો ઉપર ગૃહમાં ઉગ્ર અને રસપ્રદ ચર્ચા થવાની છે. 13 ઓગસ્ટ સુધી ચાલનારાં ચોમાસું સત્ર દરમ્યાન કોંગ્રેસ સહિત વિપક્ષો
નીટ-યુજી પેપર લીક, અન્ય ભરતી
પરીક્ષાઓમાં ગરબડ, અયોધ્યા રામમંદિર ચડાવાચોરી વિવાદ,
ઇ-20 ઇંધણ અને
વિદેશનીતિ જેવા મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ ઘડી રહ્યા છે. કુલ 25 દિવસ સુધી ચાલનારાં ચોમાસું
સત્રમાં કુલ 19 બેઠક હશે. સાતમાંથી ત્રણ ખરડા
પહેલીવાર લવાશે. કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે જણાવ્યું હતું કે, નીટ પેપર લીક, રામમંદિર
દાનચોરી સહિત મુદ્દા અમે સત્રમાં ઉઠાવશું. દરમ્યાન, દિલ્હીના
કર્તવ્ય ભવનમાં આજે એનડીએ નેતાઓની બેઠક થઇ હતી, જેમાં કેન્દ્રીય
મંત્રી જે. પી. નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ સહિત વરિષ્ઠ નેતા ઉપસ્થિત
રહ્યા હતા.