ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઇન્ડોનેશિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતથી ભારતની
એક્ટ ઇસ્ટ નીતિ, ઇન્ડો-પેસિફિક વિઝન અને વસુધૈવ કુટુંબકમની વિચારધારાનો
પાયો મજબૂત કર્યો છે. વડાપ્રધાનની આ ત્રણ દેશની યાત્રા દ્વિપક્ષી સંબંધોની દૃષ્ટિએ
મહત્ત્વની હોવાની સાથે વિશ્વમાં આપણા વધતા પ્રભાવ, અસરદાર કૂટનીતિ
તથા વિવિધ રાષ્ટ્રો સાથે વિશ્વસનીય ભાગીદારીને દૃઢ કરવાની દિશામાં મહત્ત્વનું પગલું
પણ છે. ચાર દાયકાથી કોઈ ભારતીય વડાપ્રધાને ન્યૂઝીલેન્ડની મુલાકાત લીધી નહોતી,
આથી વડાપ્રધાન મોદીની આ વિઝિટ ઐતિહાસિક સાબિત થઈ. 2030 સુધીમાં બંને દેશ વચ્ચેના વેપારને
બમણો કરવાનો રોડમેપ બનાવવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન પારસ્પરિક દ્વિ-પક્ષી
સંબંધોને વધુ દૃઢ કરવા સાથે નાગરિક પરમાણુ સમજૂતીને સક્રિય કરી અને યુરેનિયમનો પુરવઠો
ભારતને મળવાનો માર્ગ પ્રશસ્ત થયો. સંરક્ષણ, મહત્ત્વનાં ખનિજો, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ તથા ટેક્નોલોજી જેવાં ક્ષેત્રોમાં સહયોગને બળ મળ્યું. આ બંને દેશના
ટોચના નેતાઓ સાથેના વ્યક્તિગત સંબંધોમાં વડાપ્રધાનની ઘનિષ્ઠતાના દર્શન થવા તથા મોટા
પ્રમાણમાં ભારતીય નાગરિકો મોદીને વધાવવા રસ્તા પર ઊતરી આવ્યા એ બાબત દેખાડે છે કે,
ભારતનો સોફ્ટ પાવર માત્ર રાજદ્વારી કે સરકારી સંબંધો સુધી મર્યાદિત નથી.
ઇન્ડોનિશિયાના પ્રવાસ દરમિયાન મોદીને ત્યાંના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર બિંતાંગ આદિપૂર્ણથી
નવાજવામાં આવ્યા. ઇન્ડોનેશિયા વિશ્વનું સૌથી મોટું ઇસ્લામિક રાષ્ટ્ર છે અને અહીં તેમને
આ સન્માન મળવાને કારણે ભારતીય વિપક્ષોના મોઢા પર લપડાક પડી છે. મોદી સરકારની નીતિઓને
મુસ્લિમ-વિરોધી ગણાવી દુપ્રચાર કરનારાઓને બરાબરનો જવાબ મળ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ
પ્રાબોવો સુબિઅંતોએ મંચ પરથી મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે, હું આપની કારકિર્દીનું અનુસરણ કરું છું અને આપની અનેક નીતિઓનું અનુકરણ પણ કરું
છું, કેમ કે એના પર કોપીરાઈટ નથી એટલે મેં કોપી કરી. આના જવાબમાં
મોદીએ કહ્યું-ન તો કોપીરાઈટ છે કે ન રોયલ્ટી છે કે ન કોઈ ક્લેમ. સબ કા સાથ સબ કા વિકાસ
એ જ અમારો મંત્ર છે. વડાપ્રધાને સૌને સાથે રાખીને ચાલવાની પોતાની વિચારધારાનો પડઘો
ફરી પાડયો હતો. ઇસ્લામિક દેશમાં મોદીનું સન્માન થયું હોય એવો આ પહેલો પ્રસંગ નથી. આ
પૂર્વે સાઉદી અરેબિયા, માલદિવ્સ, યુએઈ,
બહેરીન, ઈજિપ્ત તથા ઓમાન જેવા દેશોના સર્વોચ્ચ
નાગરિક પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે. વડાપ્રધાન વિદેશોમાં ફર્યા કરે છે તથા આવી
યાત્રાઓથી શો ફાયદો? એવી ટિપ્પણી કરનારાઓ અત્યારે કોઠીમાં મોઢું
ઘાલી ગયા છે. ભારતનો પ્રભાવ, વગ અને વ્યાપકતા વધી રહી છે,
એની વધુ એક સાબિતી મળી છે.