• શનિવાર, 18 જુલાઈ, 2026

ગુણવત્તાયુક્ત વિકાસકામો કરવા અધિકારીઓને તાકીદ

ભુજ, તા. 17 : શુક્રવારે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ તથા અધિકારીઓની સંયુક્ત  બેઠક યોજી સમયમર્યાદામાં ગ્રાંટના વપરાશ સાથે ગુણવત્તાયુક્ત  વિકાસકામો કરવા તાકીદ કરી હતી. બેઠકમાં પ્રભારીમંત્રીએ જિલ્લા પંચાયત હસ્તકનાં વિકાસકામોમાં ગુણવત્તામાં બાંધછોડ ન કરવા સાથે રાજ્ય સરકાર દ્વારા ફાળવાતી ગ્રાંટનો સમયમર્યાદામાં ઉપયોગ કરવા ખાસ તાકીદ કરી હતી. આ સાથે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી અમૃતિયાએ વિકાસ શાખા, પંચાયત શાખા સહિતના વિભાગોના કામોની સમીક્ષા કરીને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને મહેકમ, શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રભારીમંત્રીએ પ્રશ્નોની રજૂઆતો સાથે કામગીરીની સમીક્ષા કરીને કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો અમલી કરવા જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપી હતી, જેમાં સુચારુ તથા પારદર્શક વહીવટ માટે જિલ્લા પંચાયતના દરેક વિભાગની બહાર ફરિયાદપેટી મૂકવા, વિકાસકામોમાં નાણાંનો યોગ્ય વપરાશ થાય તે માટે યોગ્ય બજારભાવ મેળવીને કામગીરી કરાવવા, સમયમર્યાદામાં ગ્રાંટની રકમ વાપરવા તેમજ જિલ્લા તથા તાલુકાની વિકાસ ડાયરી બનાવવા સાથે યોજનાકીય કામોના અમલીકરણ માટે વાર્ષિક પ્લાનિંગ કરવા ખાસ સૂચના આપી હતી. આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ કચ્છ જિલ્લામાં મહેકમ ઘટની સમસ્યાને ઉકેલવા રાજ્ય સરકારની મંજૂરીથી ભૂતકાળની જેમ જિલ્લા પંચાયત હસ્તક સ્થાનિક ભરતી કરવા અંગે સૂચન કર્યું હતું. આ સાથે હાથ ધરાતાં વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું.   બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે વિવિધ વિભાગની કામગીરી, જિલ્લા આંતરફેર બદલી, મહેકમની ખાલી જગ્યાઓ સહિતની માહિતીથી પ્રભારીમંત્રીને અવગત કર્યા હતા. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનાસિંહ જાડેજા, વીરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરાસિંહ જાડેજા, ગાંધીધામ મહાગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, આગેવાન ફલજીભાઈ ચોધરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનો તથા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd