• રવિવાર, 19 જુલાઈ, 2026

આણંદના શખ્સે પ્રથમ લગ્ન છુપાવી ભુજની યુવતી સાથે લગ્ન કર્યા

ગાંધીધામ, તા. 17 : ભુજની યુવતી સાથે લગ્ન કરી પ્રથમ લગ્નની વિગતો છુપાવી આણંદના શખ્સે યુવતીને શારીરિક, માનસિક ત્રાસ આપી તલાક અંગે ઓડિયો મોકલાવતાં આ શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભુજમાં રહેનાર આરઠુબેન નામની યુવતી આણંદમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેનો સંપર્ક ફિરોજઅલી નજીરઅલી સૈયદ સાથે થયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં સમાજના રીત-રિવાજ મુજબ ભુજ ખાતે લગ્ન થયા હતા. લગ્ન સમયે આ શખ્સના પરિવારજનો હાજર રહ્યા ન હતા કારણ કે તેઓને આ લગ્નની જાણ ન હતી. બાદમાં આ શખ્સ યુવતીને આણંદ લઇ ગયો હતો જ્યાં અલગ-અલગ હોટેલમાં રાખથો હતો. યુવતી પોતાના સાસરે જવાનું કહેતી ત્યારે આ શખ્સ ઘરમાંથી કાઢી મૂકશે તેવી ધાકધમકી તથા તલાકની ધમકીઓ આપતો હતો. દરમ્યાન મારા પરિવારજનો લગ્ન સ્વીકારશે નહીં, તું લોન લઇ લે, આપણે કેનેડા જતા રહીએ તેવું કહેતાં યુવતી સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગઇ હતી પણ ત્યાં આ શખ્સ ન આવતાં યુવતી પાછી ફરી હતી અને આણંદમાં હોટેલમાં જ આ શખ્સે પોતાની પત્નીને રાખી હતી. બાળકીના જન્મ બાદ બંને ભાડાના મકાનમાં રહેતા હતા. બાદમાં ઘરના લોકોને ખબર પડી ગઇ છે તેમ કહી આ શખ્સ યુવતીને પરત ભુજ મૂકી ગયો હતો. બાદમાં તેનો ફોન બંધ આવતો હતો. આ અંગે તપાસ કરાતાં આ શખ્સ પોતાની પ્રથમ પત્ની અને બાળકો સાથે લંડન ચાલ્યો ગયો હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદી યુવતીના ભાઇએ તેને વ્હોટસએપ ઉપર કોલ કર્યા બાદ આ શખ્સે યુવતીને ઓડિયો મોકલી તલાક આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd