નવી દિલ્હી, તા.17 : પાકિસ્તાને
સિંધુ જળ સંધિ વિવાદને અંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા પાસે લઈ જઈ ભારત પર દબાણ બનાવવાનો પેંતરો
તેને જ ભારે પડતો દેખાઈ રહ્યો છે. એક અખબારી અહેવાલ અનુસાર ભારત દ્વારા મધ્યસ્થતાની
કાર્યવાહીથી પોતાને અલગ કરવા અને સંધિને હાલમાં સ્થગિત કરવાના નિર્ણય બાદ પાકિસ્તાન
માત્ર પોતાનો જ નહીં, પરંતુ ભારતના
ભાગનો મધ્યસ્થતા ખર્ચ પણ ઊઠાવી રહ્યું છે. હેવાલ મુજબ ઈસ્લામાબાદ અત્યાર સુધીમાં છ
લાખ ડોલરથી વધુ ખર્ચ કરી ચૂક્યું છે અને જેમ જેમ મામલો આગળ વધશે તેમ તેમ આ રકમ પણ વધવાની
સંભાવના છે. સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાનને મધ્યસ્થતા કાર્યવાહીનો ખર્ચ બરાબર-બરાબર
ઉઠાવવાનો હોય છે. પરંતુ એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે આ પ્રક્રિયામાંથી પોતાની
ભાગીદારી સસ્પેન્ડ કરી હતી. ભારતના આ નિર્ણય છતાં પાકિસ્તાને મધ્યસ્થતાની કાર્યવાહી
ચાલુ રાખી હતી અને અહેવાલ મુજબ તે બંને દેશના હિસ્સાનો ખર્ચ પણ સ્વયં જ ઊઠાવી રહ્યો
છે. આ આખો વિવાદ ભારતની કિશનગંગા અને રતલે જળવિદ્યુત પરિયોજનાઓને લઈને છે જે સિંધુ
જળ સંધિ હેઠળ આવતી પશ્ચિમી નદીઓ પર બનાવવામાં આવી રહી છે. પાકિસ્તાનનો આરોપ છે કે આ
પરિયોજના સંધિની જોગવાઈઓનો ભંગ કરે છે. આ જ આધારે મામલાને પરમેનેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન
(પીસીએ)માં પહોંચાડયો હતો. બીજી તરફ, ભારતે કહ્યું કે આ પ્રકારના ટેકનિકલ વિવાદોનું
સમાધાન તટસ્થ વિશેષજ્ઞ દ્વારા થવું જોઈએ. ભારતે એવી પણ દલીલ કરી હતી કે સંધિ હેઠળ બંને
વિવાદના ઉકેલની પ્રક્રિયા એક સાથે થઈ શકે નહીં.