• શનિવાર, 18 જુલાઈ, 2026

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 23 કરોડનાં વિકાસકામોને બહાલી

ભુજ, તા. 17 : કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા આયોજન મંડળના અધ્યક્ષ અને કચ્છના પ્રભારી મંત્રી તથા ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આયોજિત આ બેઠકમાં કચ્છ જિલ્લાના વિકાસ અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે તેમજ પાયાની જરૂરિયાતોને લગતા વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વર્ષ 2026-27 માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ 15 ટકા વિવેકાધીન જોગવાઈ અંતર્ગત જિલ્લાની તમામ તાલુકા આયોજન સમિતિઓ દ્વારા  રૂા. 2302.00 લાખની રકમના કુલ 822 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તોમાં કચ્છના 9 તાલુકાઓ માટે ફાળવેલા રૂા. 1950 લાખની જોગવાઈ સામે રૂા. 1952.00 લાખનાં 786 વિકાસકામો તેમજ 7 નગરપાલિકાઓ માટે રૂા. 350 લાખની જોગવાઈ સામે રૂ. 350 લાખના  36 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રજૂ થયેલા તમામ 2302 લાખના 822 વિકાસકામોને મંજૂર કરવામાં આવ્યાં છે.  પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, નાગરિકોને વિકાસકાર્યોનો લાભ ઝડપથી મળે એ જ વહીવટીતંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ. શ્રી અમૃતિયાએ ગુણવત્તાયુક્ત કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારના એપ્રોચ રોડ, નગરપાલિકા હસ્તકના રસ્તાઓ, પ્રાથમિક શાળાઓમાં નવા ઓરડાઓ તેમજ કમ્પાઉન્ડ વોલનું નિર્માણ સહિતનાં કામો કરાશે. આયોજન મંડળની બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી જે.સી. રાવલે ર્ક્યું હતું.   બેઠકમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય  કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનાસિંહ જાડેજાવીરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડા, કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકાર ઉત્સવ ગૌતમ, ગાંધીધામ મ્યુનિ. કમિશનર બી.ડી. ડવેરા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, સામાન્ય વહીવટી વિભાગના નિરીક્ષક, સંશોધન અધિકારી બિનલબેન સુથાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd