ભારતને નુકસાન પહોંચાડવા માટે કોઈ પણ હદ સુધી નીચે ઊતરતું પાકિસ્તાન
જમ્મુ-કાશ્મીરમાં પર્યટકો, નિર્દોષ લોકોને
નિશાન બનાવતાં અચકાતું નથી. પોતાની ક્ષમતાની શેખી કરતા આતંકપરસ્ત દેશે ઈરાન-અમેરિકા
વચ્ચે સમાધાનકારી ભૂમિકા ભજવવા માટે હવાતિયાં માર્યા, પણ ખાડી
યુદ્ધની આગની જ્વાળાઓ લબકારા મારી રહી છે. બધા મોરચે નિષ્ફળ ગયેલો દેશ ઘરઆંગણે ઘેરાયો
છે. એક તરફ તેણે પચાવી પાડેલાં કાશ્મીરમાં વિદ્રોહની આગ ધખી રહી છે. બીજી તરફ બલુચિસ્તાનમાં
એક અરસાથી ચાલતા તણાવની પરાકાષ્ટાએ બલુચિસ્તાનના 95 ટકા ક્ષેત્ર પર પોતાના કબજાનો
દાવો કરીને સ્વતંત્ર દેશ ઘોષિત કર્યો છે. રિપબ્લિક
ઓફ બલુચિસ્તાન નામથી વાયરલ થયેલા પત્ર અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. પાકિસ્તાનમાં
કાયદો વ્યવસ્થાના નામે મીંડું છે. પાક કબજાગ્રસ્ત કાશ્મીરમાં વિદ્રોહ અભૂતપૂર્વ સ્તરે
પહોંચી ચૂક્યો છે. બળવો દબાવવા માટે પાકિસ્તાની સૈન્ય બર્બરતાથી નિર્દોષ નાગરિકોનો
ભોગ લઈ રહ્યું છે. ત્રણ દિવસ પહેલાં પીઓકેના રાવલકોટ - મટિયાલમાં બસ ટર્મિનલ ક્ષેત્રમાં ઓચિંતો ગોળીબાર
કરતાં છ નિર્દોષ નાગરિક માર્યા ગયા હતા. તેને પગલે સમગ્ર પીઓકેમાં તણાવ વધ્યો છે. ભારતે
આકરી પ્રતિક્રિયામાં વિશ્વ સમુદાયને હાકલ કરી છે કે,
પાકના અમાનવીય વ્યવહારને ધ્યાનથી જુએ અને વખોડે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ
કહ્યું કે, પાકિસ્તાની સરકાર, સ્થાનિક વસ્તીની
ફરિયાદ ધ્યાને લેવાને બદલે બર્બરતાપૂર્ણ વ્યવહાર કરી રહી છે. લોકતાંત્રિક દેશોમાં સૈન્ય
સરકારના તાબામાં હોય છે, પરંતુ જે દેશોમાં સરકાર સૈન્યના દિશાનિર્દેશ
મુજબ કામ કરતી હોય ત્યાં સ્થાનિક તંત્ર લશ્કરની નીતિઓ અને મરજી મુજબ ચાલતું હોય છે.
વખોડવાલાયક બાબત એ છે કે, પાકિસ્તાને ગુલામ જમ્મુ-કાશ્મીરના 40 લાખ લોકોને ભૂખે મારવા માટે
બહારથી અનાજ-પાણીનો પુરવઠો બંધ કરી દીધો છે. એટલુ જ નહીં, વીજળી પુરવઠો કાપીને લોકોને અંધકારમાં રહેવા
મજબૂર કરી દીધા છે. પાક સરકારને કબજાગ્રસ્ત કાશ્મીરની જનતા દુશ્મન લાગવા માંડી છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફ અને જનરલ મુનીરને ગભરાટ એ વાતનો છે કે, પીઓકેની જનતા આઝાદીનો અલગ રસ્તો પકડશે તો દેશનું નાક કપાઇ જશે. પીઓકેમાં વિરોધ
પ્રદર્શનો એક દાયકાથી ચાલી રહ્યા છે અને ડરેલું સૈન્ય જનતા ઉપર દમન આચરી રહ્યું છે.
કબજાગ્રસ્ત કાશ્મીરના લોકોને રંજ એ વાતનો છે કે, ભારતીય જમ્મુ-કાશ્મીર
પ્રગતિ અને વિકાસની રાહ પર અગ્રેસર છે. ગગનચુંબી બ્રિજ બની રહ્યા છે. ત્યાંના ખેડૂતો,
યુવાઓ, મહિલાઓ માટે વિવિધ યોજનાઓ સક્રિય છે. પ્રવાસન
સુવિધા વિકસી છે, જ્યારે પીઓકેમાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ લોકોને
સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પીઓકેના લોકો અમેરિકા, બ્રિટન,
કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયા છે. તેમણે સ્થાનિક નેતાઓની આંખ ઉઘાડવાનો
પ્રયાસ કર્યો જેની અસર તળે પીઓકેના દરેક વર્ગના લોકોમાં જાગૃતિનો સંચાર થયો છે. ત્યાંની
જનતા સવાલ કરી રહી છે કે, 1947માં તેમને બળજબરીથી `ગુલામ' બનાવવામાં
આવ્યા. પાકનો હિસ્સો બની રહેવામાં મળ્યું શું ? તેમને ભારત સાથે
પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત લાગે છે. પીઓકેમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે. સશત્ર પોલીસ
દળના સેંકડો જવાન માર્યા ગયા છે. પાક સૈન્યના જવાનો હવે જનતાનો સામનો કરતાં ખચકાઇ રહ્યા
છે. પીઓકેમાં હવે આરપારની લડાઇ છે. શરીફ સરકાર અને તેનો લશ્કરી વડો મુનીર દમનકારી નીતિથી
બળવો દબાવી દેવાના પ્રયાસમાં છે. ભારતનો સ્પષ્ટ મત છે કે, દુનિયાના
દેશોનું એ તરફ ધ્યાન જવું જોઇએ અને પાકિસ્તાનને ચેતવણી મળવી જોઇએ. ભારતના જમ્મુ-કાશ્મીરમાં
અત્યાર સુધી અશાંતિની આગ ફેલાવીને જનમત સંગ્રહની માંગ કરનારી પાક સરકાર હવે શું પોતાના
પચાવી પાડેલા કાશ્મીરમાં જનમત લેશે ? પાકને હાથના કર્યા હૈયે
વાગી રહ્યા છે.