પુરી, તા. 16 : ઓરિસ્સામાં ગુરુવારે પુરીનગરમાં
વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા દરમ્યાન લાખો ભક્તોની ભીડ જમા થતાં અચાનક ભારે ભાગદોડ
મચી ગઇ હતી, જેમાં એક ભક્તનું મોત થઇ
ગયું હતું, તો મોટી સંખ્યામાં ભક્તો ઘાયલ થયા હતા.બડાડાંડા એટલે
કે ગ્રાન્ટ રોડ પર ભગવાન જગન્નાથ, ભગવાન બળભદ્ર અને દેવી સુભદ્રાના
રથ ખેંચવાના કાર્યક્રમમાં લાખો શ્રદ્ધાળુ સામેલ થયા હતા, ત્યારે
આ ભીષણ દુર્ઘટના સર્જાઇ હતી. ભાગદોડ મચી તે વખતે પુરીમાં ભારે વરસાદ થઇ રહ્યો હતો તેમ
છતાં 10 લાખથી વધુ લોકો યાત્રાના રૂટ
પર મોજૂદ હતા. શ્વાસ લેવામાં તકલીફ થવાથી ઘણા લોકોને હોસ્પિટલોમાં ખસેડાયા હતા. યાત્રા
રૂટ પર તૈનાત સ્વયંસેવકો લોકોને પાછળ હટાવી રહ્યા હતા, ત્યારે જ ભારે ભીડમાં ધક્કામુક્કી થવા લાગી
હતી. ભાગદોડ મચતાં લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા. ભાગદોડના કેટલાક વીડિયો સામે આવ્યા
હતા, જેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, વધતી જતી ભીડનાં કારણે
સ્થિતિ બેકાબૂ બનવા માંડી હતી. ભાગદોડમાં લોકો એકબીજા પર પડવા લાગ્યા, ત્યારે ચીસાચીસથી વિચલિત કરી દે તેવાં દૃશ્યો વીડિયોમાં જોવા મળ્યાં હતાં.
ભાગદોડનો ભોગ બનનાર મૃતકની ઓળખ કયોંઝરના અનિલ દાસ તરીકે થઈ હતી. બડાડાંડા પર મારિશીકોટ
છક પાસે પોલીસ ઘેરાથી લગભગ 100 ફૂટ દૂર ભારે ભીડ વચ્ચે શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ દાસ પડી
ગયો હતો. તરત જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ દાસને મૃત ઘોષિત કર્યો હતો. ભાગદોડની ઘટના બાદ તરત ઓરિસ્સા ડિઝાસ્ટર
રેપિડ એક્શન ફોર્સ અને આરોગ્ય વિભાગની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલોમાં
પહોંચાડયા હતા. વહીવટી તંત્રએ સ્થિતિ જલ્દી કાબૂમાં કરી લેવાનો દાવો કર્યો હતો. ભીડને
નિયંત્રિત કરવા માટે વધારાના સુરક્ષાદળોના જવાનો તૈનાત કરાયા હતા. સમગ્ર બનાવની તપાસ
હાથ ધરાઈ હતી. આ ભાગદોડ વાર્ષિક રથયાત્રામાં `પહંડી'ની રસમ દરમ્યાન મચી હતી. આ વિધિમાં ભગવાન જગન્નાથ, ભગવાન
બળભદ્ર અને દેવી સુભદ્રાના વિગ્રહોને 12મી સદીના પુરી મંદિરથી રથો સુધી લઈ જવાય છે.