મુંબઇ, તા. 17 : કચ્છી ભાષાનાં સંવર્ધન માટે
કચ્છ યુવક સંઘ દ્વારા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી અનેકવિધ પ્રયાસો કરાઇ રહ્યા છે ત્યારે
આ જ પ્રયાસને વેગવાન બનાવવા માટે કચ્છી નવા વર્ષ આષાઢી બીજના દિવસે કચ્છી નાટક `ધી કરે ધમાલ, મા કરે કમાલ'ની પ્રસ્તુતિ
કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત નાટયરસિક લોકોએ આ નાટકને મન ભરીને માણ્યું
હતું. - બોરીવલી-માટુંગામાં પ્રસ્તુતિ
: કચ્છી નવા વર્ષે કચ્છ યુવક સંઘની છેલ્લા
33 વર્ષની પ્રણાલી પ્રમાણે નવા
કચ્છી નાટક `ધી કરે ધમાલ - મા કરે કમાલ'ની રજૂઆત બોરીવલી ખાતે પ્રબોધન ઠાકરે નાટ્યગૃહ
ખાતે અને બીજા શોની પ્રસ્તુતિ યશવંત નાટ્યગૃહ, માટુંગા ખાતે કરવામાં
આવી હતી. પ્રવેશ વખતે સૌ દર્શકોને કંકુના તિલક અને કચ્છી મીઠાઈ આપી મોઢું મીઠું કરાવી
નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. - અગ્રણીઓની ઉપસ્થિતિ : આ પ્રસંગે કચ્છી સમાજના અગ્રણીઓ મોતા ચિપ્સના દિલીપભાઈ મોતા, આરતી ઇન્ડસ્ટ્રીઝના ચંદ્રકાંતભાઈ ગોગરી,
નવનીત પ્રકાશનના બિપિનભાઈ ગાલા, પ્રવીણભાઇ કરમણ
ગાલા, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા
સહિત ઉપસ્થિત રહ્યા હતા, તો કચ્છ યુવક સંઘના ટ્રસ્ટીગણ દિલીપભાઇ
રાંભીઆ, લક્ષ્મીચંદભાઈ ગાલા, ભરતભાઇ ગોગરી,
રાહુલભાઈ દેઢીઆ તથા હિરેનભાઈ સંગોઇ, હેમંતભાઈ કારાણી,
પરેશભાઈ છેડા અને કૌશિકભાઈ છેડા આ પ્રસંગે હાજર રહ્યા હતા. - `કચ્છનાદ'નું વિમોચન : કચ્છ યુવક સંઘની પ્રણાલી મુજબ `કચ્છનાદ'નું વિમોચન પણ અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,
સતત 33 વર્ષથી દર
વર્ષે નવું કચ્છી નાટક ડાયરેક્ટર વસંત મારૂના માર્ગદર્શન હેઠળ રજૂ કરાય છે. દર વર્ષે
કલાકાર તરીકે કોઈ પણ પ્રોફેશનલ આર્ટિસ્ટ ન લેતાં સમાજમાંથી 16 વર્ષથી 40 વર્ષની ઉંમરના કલાકારો કે જે
પ્રથમવાર સ્ટેજ પર અદાકારી કરે છે. ઇંગ્લિશ કોનવેન્ટમાં ભણેલા બાળકો જ્યારે શુદ્ધ કચ્છીમાં
ડાયલોગ બોલે છે, ત્યારે પ્રેક્ષકો આફરીન
પોકારી ઊઠે છે. આ નાટકના સ્પોન્સર અજિતભાઈ મોતા (મોતા ચિપ્સ) રહ્યા છે. નાટકના સંયોજક ચિરાગ સંગોઇએ જણાવ્યું હતું કે,
આ નાટકના આગામી દિવસોમાં મુંબઈ તથા પરા વિસ્તારમાં 25થી 30 શો નિ:શુલ્ક દર્શાવવામાં આવશે. કચ્છ ઉપરાંત સાંગલી, હૈદરાબાદ, ગડઘ અને અન્ય
જગ્યાએ પણ નાટક દર્શાવવાનું આયોજન છે. સંસ્થાના મેનાજિંગ ટ્રસ્ટી દિલીપભાઈ રાંભિયાએ
જણાવ્યું હતું કે, કચ્છી ભાષાનાં સંવર્ધન માટેનો આ પ્રયાસ સતત
33 વર્ષથી કચ્છ યુવક સંઘ કરી રહ્યો
છે. વધુ વિગતો માટે કચ્છ યુવક સંઘ ઓફિસ- 96190 60100 પર સંપર્ક કરવા જણાવાયું છે.