મુંબઈ, તા. 16 : ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ
ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની વન-ડે કારકિર્દી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા
રિપોર્ટસ અનુસાર 19 જુલાઈએ લોર્ડઝ
ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાનારી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડે મેચ રોહિતની કારકિર્દીની
છેલ્લી વન-ડે મેચ હોઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વરિષ્ઠ પસંદગી
સમિતિ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે રોહિતને સંકેત આપ્યો છે કે તે 2027 વન-ડે વર્લ્ડકપ માટેની યોજનાઓનો
ભાગ નથી. જો કે, બોર્ડ કે રોહિત શર્મા દ્વારા
આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. એક મીડિયાના અહેવાલ મુજબ 39 વર્ષીય રોહિત 2027ના વર્લ્ડકપ સુધી રમવા માગતો
હતો અને હાંસલ કરવા માટે તેણે પોતાની ફીટનેસ પર મોટાપાયે કામ કર્યું છે. જો કે, પસંદગીકારો હવે ટીમને ખેલાડીઓની નવી પેઢી આપવાના
પક્ષમાં છે. અહેવાલમાં યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને તેમની ભવિષ્યની યોજનાઓનો મુખ્ય ભાગ
તરીકે જોવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ સામે વન-ડે
શ્રેણીમાં રોહિત શર્મા મોટો સ્કોર કરી શક્યો નથી.