• શુક્રવાર, 19 ડિસેમ્બર, 2025

દિલ્હીમાં 50 ટકા કર્મચારીને `વર્ક ફ્રોમ હોમ'

નવી દિલ્હી, તા.17 : દેશની રાજધાની વાયુ પ્રદૂષણના પ્રચંડ ભરડામાં છે, ત્યારે એક તરફ દિલ્હીની સરકારે 50 ટકા કર્મચારીઓ માટે `વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત કરવા સહિતનાં પગલાં ભર્યાં છે, તો બીજીતરફ સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ટોલ દરમ્યાન લાગતી વાહનોની કતારથી વધતાં પ્રદૂષણને ડામવા એમસીડી ટોલ ન વસૂલે તેવું સૂચન કર્યું હતું. દરમ્યાન વિપક્ષોની માંગને પગલે સરકાર સંસદમાં પ્રદૂષણ મુદ્દે ચર્ચા કરવા તૈયાર થઇ ગઇ છે. ગુરુવારે નિયમ 193 હેઠળ ચર્ચા થશે. વધતાં પ્રદૂષણથી ભીંસમાં આવેલી દિલ્હી સરકારે આજે કેટલાંક પગલાં બહાર પાડયાં હતાં તેમાં આવતીકાલથી તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં અડધોઅડધ સ્ટાફ માટે `વર્ક ફ્રોમ હોમ' ફરજિયાત બનાવ્યું હતું. આ ઉપરાંત મજદૂરોને 10 હજાર રૂપિયાના વળતરની પણ જાહેરાત કરવામાં આવી  હતી. દિલ્હીના  શ્રમમંત્રી કપિલ મિશ્રાએ કહ્યું કે, આ નિયમો આવતીકાલથી જ અમલી બનશે. માત્ર સ્વાસ્થ્ય, અગ્નિશમન સેવા, જેલ તંત્ર, જાહેર પરિવહન, આપત્તિ વ્યવસ્થાપન જેવી જરૂરી સેવાઓને નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં 16 દિવસ સુધી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)નો ત્રીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન નિર્માણકાર્ય બંધ રહ્યાં હતાં તેનાથી મજદૂરો પ્રભાવિત થયા હોવાથી તમામ નોંધાયેલા અને વેરિફાઈડ નિર્માણ મજદૂરોના ખાતાંમાં વળતરના રૂપમાં 10 હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીમાં આવતીકાલથી જીઆરએપીનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવશે જે હેઠળ અન્ય રાજ્યમાંથી દિલ્હી આવતાં વાહનો પર રોક રહેશે. દરમ્યાન પ્રદૂષણની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એમસીડીને ફટકાર પણ લગાવી હતી અને આવતાં વર્ષે પહેલી ઓક્ટોબરથી 31 જાન્યુઆરી સુધી ટોલ ન રાખવાનું સૂચન કરતાં નિર્દેશ આપ્યો હતો કે, તે ટોલ બૂથ હટાવવા પર વિચાર કરે અને એક સપ્તાહમાં નિર્ણય કરે. ઉલ્લેખનીય છે કે, પ્રદૂષણના મહત્ત્વના કારણોમાં  દિલ્હી-ગુરુગ્રામનો એમસીડીનો ટોલપ્લાઝા હોવાનું સુપ્રીમ કોર્ટને જણાવાતાં કોર્ટે આ સૂચન કરવાની સાથે ફટકાર લગાવતાં કહ્યું હતું કે, નથી જોઈતા આવા પૈસા, બંધ કરી દો ટોલ'. 

Panchang

dd