• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

બહુમાળી ભવનને સતાવતી સમસ્યાઓ વર્ષોથી ઉકેલાતી જ નથી

ભુજ, તા. 30 : જ્યાં 422 જેટલી અલગ અલગ વિભાગની કચેરીઓ આવેલી છે, એવા બહુમાળી ભવનને સતાવતી અનેક સમસ્યાઓનો વર્ષોથી નિકાલ આવતો જ નથી. ખાસ કરીને સ્વચ્છતા અભિયાનનો અહીં છેદ જ ઊડતો હોય તેમ ઠેર ઠેર ખડકાયેલા જોવા મળતા કચરાના ગંજથી કામસર આવતા અરજદારો અને અહીં ફરજ બજાવતા કર્મચારીઓને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે એવું આ બહુમાળી ભવન હવે સમસ્યામાંથી મુક્તિ ઝંખી રહ્યું છે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે. કચ્છમિત્રની ટીમે સતત વહીવટી કામગીરીથી ધમધમતા રહેતા બહુમાળી ભવનની મુલાકાત લીધી, ત્યારે કચેરી પરિસરમાં અનેક સ્થળે કચરાના ઢગલા આમ-તેમ પડેલા જોવા મળ્યા હતા. બહુમાળી ભવનના ત્રણ માળમાં 422 જેટલી અલગ અલગ વિભાગની કચેરી આવેલી છે. ત્રણેય માળમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ તો કરાવાઈ છે, પણ આ બાથરૂમમાં નિયમિત રીતે સફાઈ થતી ન હોવાથી એટલી દુર્ગંધ મારતા હોય છે કે તેની પાસેથી પસાર થવામાં પણ મોઢે રૂમાલ બાંધવો પડે તેવી સ્થિતિનું સર્જન થતું હોય છે. બાથરૂમની હાલત અતી જીર્ણશીણ થઈ ચૂકી હોવા છતાં તેના સમારકામ તરફ ધ્યાન અપાતું જ નથી. આગની ઘટના રોકવા માટે લગાડાયેલી ફાયર સેફ્ટી સિસ્ટમ પણ કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી હતી, ન કરે નારાયણ અને જો કોઈ ઘટના ઘટે તો આ સિસ્ટમ કામ આવે કે કેમ તેવો સવાલ જાગૃતોમાં ઊઠતો જોવા મળ્યો હતો. કચેરીના પટાંગણમાં આડેધડ વાહન પાર્કિંગના લીધે પણ અનેક પ્રકારની મુશ્કેલીનું સર્જન થઈ રહ્યું છે. ભૂતકાળમાં અહીં આપતિ વ્યવસ્થાપનની મોકડ્રિલ હાથ ધરાઈ, ત્યારે પણ અડચણનું સર્જન થયું હતું. કચેરીના પટાંગણમાં ખુલ્લા પડેલા વરસાદી નાળાંથી કોઈ દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ વ્યકત કરવામાં આવી હતી. 

Janmadin Vishesh Purti

Panchang