નવી દિલ્હી, તા. 1 : ઇઝરાયલ અને
ઈરાન વચ્ચેના યુદ્ધનો રેલો હવે સમુદ્ર માર્ગે ભારતીયો સુધી પહોંચી ગયો છે. રોઇટર્સના
અહેવાલ મુજબ, રવિવારે ઓમાનના દરિયાકાંઠે
એક તેલ ટેન્કર પર મોટો હુમલો થયો હતો, જેમાં 15 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા.
આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા હતા.પલાઉના ધ્વજ હેઠળના ટેન્કર સ્કાયલાઇટને ઓમાનના મુસંદમ
દ્વીપકલ્પ નજીક ઇરાન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. ચાલુ તણાવ વચ્ચે ઓમાનની આટલા
નજીકનાં સ્થાનને નિશાન બનાવવામાં આવ્યું હોય તેવું આ પહેલીવાર બન્યું છે. આ હુમલાથી
સ્પષ્ટ થઈ ગયું છે કે યુદ્ધનો વ્યાપ ધીમે ધીમે વિસ્તરી રહ્યો છે. ઓમાનના મેરીટાઇમ સિક્યુરિટી
સેન્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ' પર અહેવાલ
આપ્યો છે કે, આ હુમલો મુસંદમના ખાસાબ બંદરથી લગભગ 5 નોટિકલ માઇલ ઉત્તરમાં થયો હતો. હુમલા પછી
તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બોર્ડ પરના તમામ 20 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે
બચાવી લેવામાં આવ્યા હતા. આ ક્રૂમાં 15 ભારતીયો અને 5 ઈરાની નાગરિકોનો સમાવેશ થાય છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે ટેન્કર પર કયા હથિયાર
કે મિસાઇલથી હુમલો થયો હતો. શરૂઆતના અહેવાલો અનુસાર, આ હુમલામાં
ચાર ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા, જેમાં કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા
હતા અને કેટલાકને સામાન્ય ઈજા થઈ હતી. સમુદ્રની મધ્યમાં થયેલા આ અચાનક હુમલાથી જહાજમાં
સવાર લોકો ગભરાઈ ગયા હતા.