ગાંધીધામ, તા. 1 : પૂર્વ કચ્છમાં છેલ્લા બે મહિના
દરમ્યાન એન.ડી.પી.એસ.ના જુદા જુદા 15 ગુના નોંધીને નશો વેચતા શખ્સોને જેલભેગા કર્યા હતા. દરમ્યાન
ભીમાસરમાં સાયબર સેલની સફળ કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસે નશાની ખેતી શોધવા ડ્રોનથી
તપાસ હાથ ધરી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વર્ષ 2025માં બે મહિના દરમ્યાન એન.ડી.પી.એસ.ના ત્રણ ગુના દાખલ કરાયા હતા, જેની સામે આ વર્ષે નશો વેચતા શખ્સો સામે ઘોંસ
બોલાવવામાં આવી હતી. આ વર્ષે અંજાર-1, ગાંધીધામ એ-1, બી-ડિવિઝન 1, ગાગોદર બે, સામખિયાળી
1, રાપર 1, બાલાસર 1, લાકડિયા 1, આડેસર 1 તથા એસઓજી દ્વારા ચાર એમ કુલ 15 ગુના આ વર્ષના બે મહિના દરમ્યાન
નોંધવામાં આવ્યા હતા. પોલીસે નશો વેચતા શખ્સોને પકડીને જેલભેગા કર્યા હોવાનું પોલીસ
અધીક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું તેમજ હજુ ક્યાંય નશીલા પદાર્થોની હેરાફેરી, વેચાણ કે સેવનની પ્રવૃત્તિ જણાય તો પોલીસવડાના
મો.નંબર 99784 05690,
એસ.ઓ.જી. પી.આઇ. મો.નં. 97234 93534 તથા જિલ્લા કંટ્રોલ રૂમ નંબર
63596 26845 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું.
દરમ્યાન ભીમાસર સીમમાં સાયબર સેલએ રૂા. 9.25 કરોડની નશાની ખેતી ઝડપી પાડયા બાદ સ્થાનિક પોલીસ સફાળી જાગી
હતી અને વાગડ પંથકમાં ઠેર ઠેર નશાની ખેતી થતી હોવાના આક્ષેપ વચ્ચે આવી બદીને શોધવા
ભીમાસર, ખેડુકા, હમીરપર,
અમરાપર વગેરે સીમમાં ડ્રોન કેમેરાથી તપાસ હાથ ધરવામાં આવી હતી.