• સોમવાર, 02 માર્ચ, 2026

હોર્મુઝ ખાડી બંધ : તેલ પુરવઠો ખોરવાશે

નવીદિલ્હી,તા.1 : દુનિયામાં 20 ટકા જેટલો ઓઈલ પુરવઠો જે સમુદ્રી માર્ગેથી નીકળે છે તેવા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (સામુદ્રધુની)ને ઈરાને બંધ કરી દીધી છે. જેને પગલે દુનિયામાં તેલ પુરવઠો ખોરવાઈ જવાનો છે. આનાથી ઓઈલનાં ભાવમાં તીવ્ર ઉછાળો આવી શકે અને પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ સળગવાની આશંકા છે. જોકે, તેલ ઉત્પાદક એવા ઓપેક દેશોએ આગામી મહિને તેલ ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. રોજના 206000 બેરલ જેટલું ઉત્પાદન વધારાશે. અમેરિકા અને ઈઝરાયલનાં હુમલાનાં જવાબમાં ઈરાને આ સામુદ્રધુની બંધ કરી છે. યુરોપીય સંઘની નૌસેના મિશન ઓપરેશન એસ્પાઈડ્સનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોને વીએચએફ રેડિયો ઉપર સંદેશા મળ્યા છે કે, જહાજ હોર્મુઝ ખાડીમાંથી પસાર થઈ શકશે નહીં. આ સંદેશા ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડસ સેના તરફથી આપવામાં આવ્યા હતાં. જો કે ઈરાન તરફથી હજી સુધી હોર્મુઝનો માર્ગ બંધ કર્યાની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અમેરિકાએ પોતાનાં વ્યવસાયિક જહાજોને આ ખાડી ક્ષેત્રથી દૂર રહેવાની સલાહ આપી છે. આ સામુદ્રધુની દુનિયામાં સૌથી મહત્વનો ઓઈલ નિકાસ માર્ગ છે. જે સાઉદી અરબ, ઈરાન, ઈરાક અને યુએઈ જેવા પ્રમુખ ઓઈલ ઉત્પાદક દેશોને ગલ્ફથી અરબી સમુદ્ર સાથે જોડે છે. જો આ માર્ગ બંધ થાય તો દુનિયામાં ઓઈલ પુરવઠા અને તેનાં હિસાબે અન્ય તમામ વેપાર-ઉદ્યોગોને મોટી માઠી અસરો થઈ શકે છે. 

Panchang

dd