• સોમવાર, 02 માર્ચ, 2026

ખોમેનીનું મોત, તેહરાન તહસનહસ, મરણિયું ઈરાન

તેલઅવીવ/તેહરાન, તા. 1 : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ શમવાને બદલે આજે વધુ ભીષણ બન્યું છે. યુ.એસ. અને નેતન્યાહુના દળોએ એક મોટા હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખોમેની તેમજ કેટલાય વરિષ્ઠ કમાન્ડરોને મોતને ઘાટ ઉતારી તેહરાનને મોટો ફટકો લગાવ્યો હતો. ઈઝરાયલના એક પછી એક પ્રહારોથી તેહરાન તહસનહસ થઈ ગયું છે અને ઈરાનમાં 200થી વધુ જણ માર્યા ગયા છે અને 800 જેટલા ઈજાગ્રસ્ત થયા છે. જો કે, ઘવાયેલા ઈરાને પણ મરણિયા બનીને ઈઝરાયલ તેમજ અખાતી દેશોના અમેરિકી મથકોને નિશાન બનાવીને તીવ્ર પ્રહારો કર્યા હતા. બેન શેમેશમાં નવ જણ માર્યા ગયા હતા. તો અમેરિકી વિમાનવાહક મહાજહાજ યુ.એસ.એસ. અબ્રાહમ લિંકન પર ચાર બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આજે રશિયા ઉપરાંત ચીને પણ ખોમેની પર હુમલાની ટીકા કરતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ છે. મધ્યપૂર્વમાં ભારે તંગદિલીને પગલે હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ છે અને હજારો ભારતીયો સહિતના લોકો ફસાયા છે. દુબઈએ ફસાયેલા લોકોના વિઝા લંબાવવા માટે સંમતિ દર્શાવી છે. અમેરિકાના કમસે કમ ત્રણ સૈનિક માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઈઝરાયલે ઈરાનના કમાન્ડ સેન્ટરને નષ્ટ કરી નાખ્યું છે. અબુધાબીમાં ઈરાનના હુમલામાં એક ભારતીયને ઈજા થઈ છે. ઈઝરાયલ અને અમેરિકાના ઘાતક સંકલિત હુમલામાં ઈસ્લામિક રિપબ્લિકના ઈતિહાસમાં પહેલીવાર સર્વોચ્ચ નેતાનો ખાતમો થયો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખોમેની અને ટોચના સુરક્ષા અધિકારીઓ મરાયા છે, જેને પગલે નેતૃત્વમાં નિરાધાર બનેલા ઈરાને મરણિયા થઈને ભયાનક જવાબી કાર્યવાહીમાં અમેરિકા અને ઈઝરાયલનાં હિતો ઉપર આડેધડ હુમલા બોલાવી દીધા છે. ઈઝરાયલ ઉપરાંત ખાડી દેશોમાં અમેરિકાનાં 27 જેટલા સૈન્ય મથકો ઈરાનની મિસાઈલો અને ડ્રોનની ઝપટે ચડી ગયા હતા. કતાર, કુવૈત, બેહરીન, જોર્ડન, સાઉદી અરેબિયા, ઈરાક, ઓમાન અને યુએઈ સહિતના દેશો આજે પ્રચંડ વિસ્ફોટોથી ધણધણતા રહ્યાં હતાં. આ તમામ દેશોએ પોતાની વાયુસીમાને વાંસી દીધી છે અને સમગ્ર ખાડીમાં લોકો દહેશતમાં ગરક થઈ ગયા છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની આગેવાનીમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડે ખામેનીનાં મોતનો બદલો લેવાનાં પ્રણ લીધા છે. પેઝેશ્કિયાને હુંકાર ભર્યો હતો કે, સર્વોચ્ચ નેતા ખોમેનીની હત્યાનો બદલો લેવો હવે ઈસ્લામિક રિપબ્લિકનો અધિકાર અને જવાબદારી છે. ખોમેનીની હત્યાને તેમણે ઈસ્લામ વિરુદ્ધ યુદ્ધનું એલાન ગણાવ્યું હતું.  સામે છેડે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વળતી ધમકી આપી હતી કે, ઈરાની સેના તરફથી જો કોઈ પ્રહાર થશે તો હવે પછી અભૂતપૂર્વ હુમલો કરવામાં આવશે. શનિવારે શરૂ થયેલી આ જંગમાં અત્યાર સુધીમાં ઇરાનમાં 200થી વધુ લોકોનાં મોત અને 750થી વધુ લોકો ઘાયલ થયા છે. તેહરાન અને અન્ય શહેરોમાં હોસ્પિટલોને ઈમરજન્સી માટે એલર્ટ રાખવામાં આવેલી છે. વીજળી, સંચાર અને પરિવહન વ્યવસ્થાઓ પર પણ અસર પડી છે. ઇઝરાઇલમાં સતત હુમલાઓને કારણે શાળાઓ બંધ રાખવામાં આવી છે અને જાહેર સ્થળો પર પ્રતિબંધ મુકાયો છે. બીજીબાજુ ઈઝરાયલે પણ ઈરાન ઉપર આજે મિસાઈલોનો મારો ચાલુ રાખ્યો હતો અને આ યુદ્ધ દિવસે નહીં પણ દર કલાકે વધુને વધુ વકરી રહ્યું છે. - ખોમેનીનો ખાતમો : 28 ફેબ્રુઆરીના ધોળાદહાડે અમેરિકા અને ઇઝરાયલે ઇરાનના વિવિધ સૈન્ય ઠેકાણાઓ પર મોટાપાયે સંકલિત હવાઈ અને મિસાઇલ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ઇરાનની બેલિસ્ટિક મિસાઇલ વ્યવસ્થા, હવાઈ રક્ષણ પ્રણાલી, સૈન્ય કમાન્ડ સેન્ટરો અને વ્યૂહાત્મક સ્થાપનાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આમાં ઇરાનના સર્વોચ્ચ નેતા 86 વર્ષીય ખામેનીનાં નિવાસ અને રાષ્ટ્રપતિ ભવનને પણ ટાર્ગેટ કરવામાં આવેલા. આ સંયુક્ત હુમલાઓમાં ખામેનીનું પણ મૃત્યુ નીપજ્યાની પુષ્ટિ ઇરાનની સરકારી મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્રોતોએ કરી છે. તેહરાન સ્થિત તેમના નિવાસ પર હુમલો થયો હતો અને તેમાં અનેક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સહિત ખામેની અને તેમનાં પરિવારનાં કેટલાક સદસ્યો પણ મોતને ભેટ્યા હોવાનાં અહેવાલો છે. આ ઘટનાએ દેશની રાજકીય વ્યવસ્થામાં અસ્થિરતા અને સત્તા હસ્તાંતરણ અંગે અનિશ્ચિતતા ઊભી કરી દીધી છે. ઈરાનમાં સત્તા પરિવર્તનના ઈરાદે ત્રાટકેલા અમેરિકા અને ઈઝરાયલને પહેલા ધડાકે જ પોતાનાં પ્રમુખ દુશ્મનને હણી નાખવામાં સફળતા તો મળી ગઈ છે, પણ આ ઘટનાએ દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ઈરાનમાં પણ રાષ્ટ્રીય શોક છવાઈ ગયો છે. ઈરાનની જનતા માર્ગો ઉપર ઊતરી આવી હતી અને પોતાનાં સર્વોચ્ચ નેતાનાં મોતનાં આઘાતમાં ગરક થઈ ગઈ હતી. બીજીબાજુ અમેરિકામાં પણ ખામેનીનાં મોતનાં સમાચાર પછી ટ્રમ્પ પ્રશાસનનાં વિરોધમાં લોકો પ્રદર્શનો કરવા લાગ્યા હતા. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાનની દુશ્મનાવટમાં શરૂ થયેલાં આ યુદ્ધની ચપેટમાં હવે 12 દેશ આવી ગયા છે. આ ત્રણેય દેશ સિવાય બહેરીન, સાઉદી અરબ, ઈરાક, યુએઈ, કતાર, કુવૈત, જોર્ડન, યમન અને લેબેનોન પણ જટિલતાથી સપડાઈ ગયા છે. જ્યાં જૂના ગઠબંધનો તૂટયા છે અને નવી દુશ્મનાવટો પેદા થઈ ગઈ છે. ખામેનીનાં મૃત્યુ પછી ઈરાની સેનાએ કોઈપણ ભોગે વેર વાળવાનાં સોગંદ લીધા હતાં અને આજે મરણિયું બન્યું હોય તેવી રીતે દિવસભર ઈઝરાયલ અને અમેરિકાનાં હિતો સ્થિત હોય તેવા ખાડી દેશોનાં અનેક સ્થાનો ઉપર સિલસિલાવાર મિસાઈલ હુમલાથી આખા ખાડી પ્રદેશને ધણધણતો રાખ્યો હતો. ઇરાને ઇઝરાઇલ અને પ્રદેશમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ તરફ મોટાપાયે મિસાઇલ અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા હતાં. ઇરાને અનેક બેલિસ્ટિક મિસાઇલો છોડતાં સમગ્ર ઇઝરાઇલમાં એલાર્મ વાગ્યા અને નાગરિકોને શેલ્ટરમાં જવા સૂચના અપાઈ હતી. તેલ અવીવ સહિત અનેક વિસ્તારોમાં વિસ્ફોટોની માહિતી મળી છે. ઓછામાં ઓછા એક નાગરિકના મૃત્યુ અને અનેક ઘાયલોની પુષ્ટિ થઈ છે.  ઇરાની હુમલાનો પ્રભાવ વ્યાપક રીતે ખાડી દેશોમાં પણ જોવા મળ્યો. યુએઈમાં મોટી સંખ્યામાં મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતાં પણ તેની વાયુ રક્ષા પ્રણાલીએ તેને અવરોધ્યાં હોવાનો દાવો થઈ રહ્યો છે. અહેવાલ મુજબ 137 બેલેસ્ટિક મિસાઇલો અને 209 ડ્રોન રોકવામાં આવ્યા હતાં. તેમ છતાં દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અને પ્રસિદ્ધ બુર્જ અલ અરબને આંશિક નુકસાન થયું હતું. અહીં ઓછામાં ઓછા એક નાગરિકનાં મૃત્યુની માહિતી મળી છે. દુબઈ અને કતારની રાજધાની દોહામાં અનેક પ્રચંડ વિસ્ફોટ થયા હોવાનું જાણવા મળે છે. આ સિવાય બહેરીન, કતાર અને કુવૈતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક મિસાઇલોને રોકવામાં આવી અને અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હતો. કુવૈતનાં અબ્દુલ્લા મુબારક વિસ્તારમાં અમેરિકી નૌસેના મથક ઉપર 4 મિસાઈલ અને 12 ડ્રોનથી ઈરાન ત્રાટક્યું હતું, જેમાં ભારે ખાનાખરાબી થઈ હોવાનું કહેવાય છે. લેબેનોન, યમન અને સીરિયામાં ઉથલપાથલ સાથે વ્યાપક હિંસા ફાટી નીકળી છે. હિઝબુલ્લાહ અને હુથી વિદ્રોહીઓએ ઈરાનનાં સમર્થનમાં સક્રિયતા વધારી નાખતાં ફફડાટ ફેલાઈ ગયો છે. અત્યાર સુધી એકમાત્ર ઓમાન આ યુદ્ધની બહાર બચી ગયું હતું, પણ ઈરાને હવે ત્યાં પણ ડ્રોનનો મારો ચલાવી નાખ્યો છે.  આ ઉપરાંત અમેરિકી યુદ્ધ જહાજો માટે દારૂગોળો લઈને જતા એક જહાજને જેબેલ અલી એન્કરેજ ઉપર ચાર ડ્રોનથી ટક્કર મારી દેવામાં આવી હતી અને આ ધડાકામાં તે બેકાર થઈ ગયું હોવાનું જાણવા મળે છે. 

Panchang

dd