ભુજ, તા. 1 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન
આયોજિત આંતર જિલ્લા જય હિન્દ ટ્રોફી ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની સુરેન્દ્રનગર
ખાતે રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભાવનગર રૂરલ ટીમને 94 રનથી હરાવીને કેસીએ ભુજ સિનિયર ટીમે આવતાં વર્ષ માટે ઇલાઇટ ગ્રુપ
માટે ક્વોલિફાય કર્યું હતું. ટોસ જીતીને કેસીએ ભુજ 66.3 ઓવરમાં માત્ર 217 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ધ્રુવ ગોસ્વામી 39, હિરેન કેરાઇ 37, કિશન વરસાણી 30, અવનીશ કેરાઇ 26, પીયૂષ રાઠોડ 24 અને પૂર્વ રાઠોડે 20 રન કર્યા હતા. રાહુલ વાકાણીએ
પાંચ વિકેટ લીધી હતી. બીજા દિવસે ભાવનગર 66.4 ઓવરમાં 210માં ઓલઆઉટ
થઇ ગઇ હતી. અર્જુન રાઠોડના 103 અને પવન પરમારના
70 રન મુખ્ય હતા. ભુજ વતી ધ્રુવમ
પટેલે 4 વિકેટ,
અવનીશ કેરાઇએ 3 વિકેટ લીધી હતી. બીજા દાવમાં કેસીએ ટીમે 44.5 ઓવરમાં 220 રન કર્યા હતા, જેમાં ધ્રુવ ગોસ્વામી 60, પૂર્વ રાઠોડ 47, હિરેન કેરાઇ 24 અને કિશન વરસાણીએ 22 રન કર્યા હતા. ધર્મવીર જાડેજાએ
4 વિકેટ લીધી હતી. 228 રનનો પીછો કરવા ઊતરેલી ભાવનગરની
ટીમ કચ્છની ધારદાર બોલિંગ સામે 34 ઓવરમાં માત્ર
133 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. અર્જુને
65 રન કર્યા હતા. કેપ્ટન કિશન
વરસાણીએ 4, જયદીપ જોશીએ 3, અવનીશ કેરાઇએ 2 વિકેટ લીધી હતી. આમ, ભુજ ટીમ ટોપ-2માં સામેલ થતાં આવતા વર્ષ માટે ઇલાઇટ ગ્રુપ
માટે ક્વોલિફાય થઇ ગઇ હતી. ટીમને કેસીએના હોદ્દેદારો તેમજ સિલેક્ટરોએ અભિનંદન પાઠવ્યા
હતા. ટીમ મેનેજર તરીકે અમિત રાઠોડ અને કોચ તરીકે મહેશ પંડયાએ સેવા આપી હતી.