કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા. 1 : ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલે
ભીષણ હુમલા કર્યા છે, જેને લઈને મહાયુદ્ધનાં મંડાણ થયાં છે. આ ઘર્ષણ વચ્ચે આખા મિડલ ઈસ્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ નિર્માણ
પામી છે. જેને લઈને ભારતથી મિડલ ઈસ્ટનો રૂટ અસરગ્રસ્ત થયો છે. પરિણામે કચ્છના બે મહાબંદર ઉપરથી આ રૂટે જતાં જહાજોની
સેવાને અસર પડી છે. શિપિંગ ઉદ્યોગકારોના મત મુજબ એક અંદાજ મુજબ મિડલ ઈસ્ટના રૂટે પાંચ હજાર જેટલાં કન્ટેનર કાર્ગો અટકવાયો હોવાનું ચિત્ર સપાટી ઉપર આવ્યું
છે. આગામી દિવસોમાં આ સ્થિતિ લાંબા સમય સુધી
ચાલી, તો અનેક ઉદ્યોગકારોએ
કપરા સમયમાંથી પસાર થવું પડશે, તેવા ચિંતાના વાદળો ઘેરાયાં છે.
- કંડલાથી 16 જહાજ પ્રભાવિત : ગાંધીધામ-મુંદરામાં
શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા યોગેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટમાં ઘર્ષણજનક સ્થિતિના પડઘમ કચ્છના
બંદરો ઉપર દેખાવાના શરૂ થયા છે. કચ્છના બંદરોથી મિડલ ઈસ્ટના દેશોમાં નોંધપાત્ર સંખ્યામાં કાર્ગો અવરજવર કરે છે. કંડલા બંદરેથી આઠ કન્ટેનર
જહાજ અને આઠ બલ્ક કાર્ગોની હેરફેર કરતા જહાજની
સેવાને અસર પડશે. ચોખા, એગ્રી પ્રોડક્ટ સહિતની ચીજવસ્તુઓની નિકાસ
અને બીટુમીન વિગેરે વસ્તુઓની આયાત પર પણ અસર
થશે. - પોર્ટ ઉપર માલ ભરાવો થશે : ગાંધીધામના શિપિંગ ઉદ્યોગકાર નિલય વૈદ્યએ
જણાવ્યું હતું કે, મોટાભાગની
શિપિંગ લાઈનોએ ક્રૂ મેમ્બર તથા કાર્ગોની સુરક્ષાના માપદંડોને લક્ષમાં રાખીને આ રૂટની સેવા સ્થગિત કરી છે. આ સ્થિતિમાં આગામી
દિવસોમાં પોર્ટ, કન્ટેનર યાર્ડ, ઉત્પાદક
ફેક્ટરી સહિતનાં સ્થળે માલ અને કન્ટેનરોમાં
ભરાવો થશે. મુંદરા બંદરેથી મિડલ ઈસ્ટ રૂટના 20થી 25 જહાજને અસર
પડશે તેવું લાગી રહ્યું છે. પોર્ટ સહિતની જગ્યાએ
આ રૂટનાં પાંચ હજાર કરતાં વધુ કન્ટેનર અટકવાયાં હોવાની વિગતો મળી રહી છે. - વિશ્વનો 20 ટકા તેલ પુરવઠો હોર્મુઝમાંથી
પસાર થાય છે : શિપ ઓપરેટર અને બ્રોકર મિથીલ જોષીએ જણાવ્યું
હતું કે, યુદ્ધના
કારણે ભારતીય શિપિંગ-એક્ઝિમને ઘણી મુશ્કેલીઓનો સામાનો કરવો પડશે. વિશ્વનો લગભગ 20 ટકા તેલ પુરવઠો હોર્મુઝ કેનાલમાંથી પસાર થાય છે. અંદાજ મુજબ દરરોજના લગભગ
17-20 મિલિયન બેરલ પરિવહન થાય છે.
વિદેશી વેપારીઓના કહેવા મુજબ આઠ જહાજે ઓમન પાસેથી પોતાના રૂટ પરિવર્તિત કર્યા છે, જેમાં 10 હજાર જેટલાં કન્ટેનર ભરેલાં
છે. આ સ્થિતિ વૈશ્વિક નૂર અને તેલના ભાવમાં
વધારો લાવી શકે છે. દુબઈ જેબર અલી પોર્ટમાં ઓપરેશનલ સેવા સ્થગિત કરાઈ હોવાના અહેવાલ
સાંપડયા હતા. વૈશ્વિક કક્ષાએ સર્જાયેલી અસ્થિરતા ભરેલી સ્થિતિમાં આયાત-નિકાસકારો મૂંઝવણમાં
મુકાયા છે. શિપિંગ લાઈનોએ કાર્ગો હેરફેરની
સેવા અનિશ્ચિત સમય માટે સેવા સ્થગિત કરી છે. આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલી, તો કચ્છના બંદરે તથા આયાત-નિકાસકારો માટે પડકારજનક
સમય આવશે, તેવું અનુમાન તજજ્ઞોએ વ્યક્ત કર્યું હતું.