• સોમવાર, 02 માર્ચ, 2026

મધ્ય-પૂર્વની 310 ઊડાન રદ : સેંકડો ભારતીય ફસાયા

નવી દિલ્હી, તા. 1 : ઇરાન પર ઇઝરાયલ-અમેરિકાના હુમલા અને ઇરાનના પલટવારથી મધ્ય-પૂર્વ સળગી ઊઠતાં સૌથી મોટી અસર વિમાની સેવાને પહોંચી છે. અનેક દેશોએ પોતાનું હવાઇ ક્ષેત્ર બંધ કરતાં હજારો ભારતીય ફસાયા છે. અનેક ભારતીય દુબઇમાં અટકી પડયા છે. ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, આજે 310 ઊડાન રદ કરવામાં આવી હતી. તેલ અવીવ જતી ઊડાનોને સાત માર્ચ સુધી રદ કરવામાં આવી છે. ગઇકાલે પણ ચારસોથી વધુ ફલાઇટ્સ રદ થઇ હતી. મધ્ય-પૂર્વમાં અશાંતિથી પ્રવાહી અને સંવેદનશીલ સ્થિતિ વચ્ચે ભારતીય વિમાન કંપનીઓ સંચાલિત 350થી વધુ ઊડાન રદ કરવામાં આવી હોવાનું ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું. ગઇકાલે 410 ઊડાન રદ થઇ હતી. મંત્રાલયે પ્રવાસીઓને સંબંધિત વિમાન કંપનીના સંપર્કમાં રહેવા સલાહ આપી હતી. દિલ્હી હવાઇમથકે 100 ઊડાનને રદ કરવામાં આવી હતી. દરમ્યાન, ઊડાનો રદ થતાં દેશ અને વિદેશમાં હજારો મુસાફર હવાઇમથકોએ અટવાયા હતા. ખાસ કરીને દુબઇમાં સ્થિતિ વધુ વિકટ બની હતી, જ્યાં અનેક ભારતીય હવાઇમથકે અટવાઇ પડયા છે જેમાં ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યના લોકોનો સમાવેશ થાય છે. આ પ્રવાસીઓએ ભારત પાસે જલ્દી વાપસીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. બીજીતરફ, એર ઇન્ડિયા એક્સપ્રેસે બહેરીન, કુવૈત, ઓમાન, કતર, સાઉદી અરબ અને સંયુક્ત આરબ અમીરાત માટે આવતી-જતી તમામ ઊડાન પરની રોક આવતકાલની મધ્યરાત્રિ સુધી વધારી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, જે પ્રવાસીઓએ પાંચ માર્ચ સુધીની યાત્રા માટે 28 ફેબ્રુઆરી સુધીમાં આ ક્ષેત્રોની ઊડાન બુક કરી હતી તેમને અમે રિફંડ સહિતના વિવિધ વિકલ્પ આપી રહ્યા છીએ. ઇરાનમાં અશાંત પરિસ્થિતિને ધ્યાને લેતાં ભારતીય નાવિકો માટે ભારતે એક માર્ગદર્શિકા બહાર પાડીને સતર્ક રહેવાનો અનુરોધ કર્યો હતો. 

Panchang

dd