• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

હરિયાણાનો કુખ્યાત શૂટર રાપરથી જબ્બે

અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને કચ્છ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં હરિયાણાના ભિવાની કોર્ટ પરિસરમાં ધોળે દિવસે હત્યાની ઘટનાને અંજામ આપનાર કુખ્યાત શૂટરને રાપરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ શૂટર રોહિત ગોદારા-નવીન બોક્સર ગેંગ સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ શૂટરની સાથે તેને આશ્રય આપનાર તેના સાગરીતની પણ ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશનની વિગત આપતાં એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓને મળેલી સચોટ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મળી હતી કે, હરિયાણાનો વોન્ટેડ ગુનેગાર વિકાસ ઉર્ફે ગોલુ જસબિરાસિંઘ શ્યોરાણ હાલ કચ્છના રાપરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાં આવેલા એક આર.ઓ. પ્લાન્ટ પાસેનાં મકાનમાં છુપાયેલો છે. પોલીસે અહીં દરોડો પાડીને મુખ્ય શૂટર વિકાસ ઉર્ફે ગોલુ અને તેને આશરો આપનારા તેના સાગરીત દિન્કેશ ઉર્ફે કાલી પરમાનંદ ગર્ગની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં વિકાસે ચોંકાવનારી કબૂલાત કરી છે. તેણે સ્વીકાર્યું છે કે, 4 સપ્ટેમ્બર 2025ના રોજ તેણે આ ગુનાને અંજામ આપ્યો હતો. હરિયાણાના ભિવાની કોર્ટ પરિસરમાં જઈને લવજીત (રોહતક) નામની વ્યક્તિની ગોળી મારી હત્યા કરી હતી. આ હત્યામાં તેની સાથે અજય અને રોહિત નામના શખ્સો પણ સામેલ હતા. આ હત્યા પાછળ આંતરરાજ્ય ગેંગસ્ટર નેટવર્ક કામ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. હથિયાર પૂરાં પાડયાં : વિકાસે જણાવ્યું કે, હત્યા માટે વપરાયેલી પિસ્તોલ કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાએ પૂરી પાડી હતી. હત્યા બાદ વિકાસ ફરાર થઈ ગયો હતો અને નવેમ્બર મહિનામાં કચ્છના રાપર ખાતે પહોંચ્યો હતો. તેને છુપાવવા માટે દિન્કેશ ઉર્ફે કાલીએ મદદ કરી હતી. દિન્કેશ પોતે હરિયાણાના કેથલનો રહેવાસી છે અને તેણે નવીન બોક્સરના કહેવાથી શૂટરને આશરો આપ્યો હતો.  ગુજરાત પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ નેટવર્ક દ્વારા ગુજરાત કે અન્ય રાજ્યમાં કોઈ નવી ગુનાહિત પ્રવૃત્તિ કરવાની યોજના હતી કે કેમ, તે દિશામાં પણ એટીએસ તપાસ કરી રહી છે. પકડાયેલા શૂટરને ટૂંક સમયમાં હરિયાણા પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

Panchang

dd