ગાંધીધામ, ભુજ, તા. 21 : વોંધ અને ભચાઉ વચ્ચે ગઈકાલે
ટ્રેનમાંથી 42 વર્ષીય યુવાન વીર બહાદુરભાઈ માંગ્રુતીએ ઝંપલાવીને મોતનો
કૂદકો માર્યો હતો. બીજી તરફ ગાંધીધામના સેકટર-7 નવજીવન સોસાયટીમાં 24 વર્ષીય
યુવતિ પ્રિયંકાબેન મૂળજી થારૂએ ગળેફાંસો ખાઈને જ્યારે માંડવી તાલુકરાના ગઢશીશા
પાસેના મોટી મઊંના વાડી વિસ્તારમાં 14 વર્ષીય સગીરા આશા બુધાભાઈ નાયકાએ
જંતુનાશક દવા પીને પોતાના જીવ દીધા હતા. જ્યારે નખત્રાણા દેવીસરની સીમમાં મબુમ
લીફટર તુટતાં મુળ રાજસ્થાનના 22 વર્ષીય બિનેશ રાજુલાલ બજારાનું
ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. ગઈકાલે સવારે સાત વાગ્યાના અરસામાં વોંધથી
ભચાઉ વચ્ચે રેલ્વે પાટા ઉપર બનેલા બનાવમાં ભચાઉની નીલકંઠ કંપનીમાં રહી કામ કરનાર વીરભાઈ
બરેલી ટ્રેનમાં સવાર હતો તેણે ચાલુ ટ્રેનમાંથી અગમ્ય કારણોસર મોતનો કુદકો માર્યો
હતો જેમાં તેને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ
હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન તેણે આંખો મીચી લીધી હતી. બીજી તરફ
ગાંધીધામના સેકટર-7માં રહેનાર પ્રિયંકા થારૂએ ગઈકાલે પોતાના ઘરે અંતિમ પગલું
ભરી લીધું હતું. પોલીસ મથકે કરાયેલ નોંધમાં જણાવ્યા મુજબ આ યુવતી માનસીક અસ્વસ્થ
હતી તેમજ વારંવાર આપઘાત કરવાનું કહેતી હતી. દરમ્યાન તેણે ગઈકાલે પંખામાં સાડી
બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. જ્યારે માંડવી તાલુકાના
ગઢશીશા પંથકના મોટી મઊં વાડી વિસ્તારમાં દીપીનભાઈ રસીકભાઈની વાડી ઉપર રહેતા રમજીવી
બુધાભાઈની 14 વર્ષીય દીકરી આશાએ તા.19/12ના રાતે કોઈ અગમ્ય કારણોસર
કપાસમાં નાખવાની જંતુનાશક દવા પી લેતાં પ્રથમ ગઢશીશા અને બાદમાં વધુ સારવાર અર્થે
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતાં તેનું
મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી
હતી. બીજી તરફ નખત્રાણાના દેવીસરની સીમમાં
સુનીલ એન્ટરપ્રાઈઝમાં ગત તા.19/12ના સાંજે લીફ્ટરમાં કામ દરમ્યાન
મબુમ લીફ્ટર તૂટતાં નીચે પડતાં મૂળ રાજસ્થાન હાલે અર્ચના સ્કૂલ નખત્રાણામાં રહેતા
યુવાન બેનેશ બજારાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેનું મૃત્યુ થયું હતું.
નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.