• સોમવાર, 22 ડિસેમ્બર, 2025

મતદારયાદી સુધારણાનો સાર્થક વ્યાયામ !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં વિશાળ રેલી સંબોધતાં કહ્યું કે, એસઆઇઆરનો વિરોધ કરનારા રાજકીય પક્ષો ઘૂસણખોરોને બચાવવાની ફિરાકમાં છે. મતદારયાદીની સઘન સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બિહારમાં ચૂંટણી પહેલાં તેની શરૂઆત થઇ અને દેશભરમાં લાગુ કરી દેવામાં આવી છે. વિવિધ રાજ્યોએ એ પ્રક્રિયા શરૂ કરી દીધી અને તેનાં પરિણામ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં એસઆઇઆરની અંતિમ મુસદ્દાયાદી જાહેર થતાં 73.73 લાખ મતદારનાં નામ કમી કરવામાં આવ્યાં છે. અગાઉ ગુજરાતમાં 5.08 કરોડ મતદાર નોંધાયેલા હતા... સંશોધન પછી આ આંકડો 4 કરોડ 34 લાખ, સિત્તેર હજાર રહી ગયો છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો 2.14 લાખ મતદારનાં નામ દૂર કરાયાં છે. અંતિમ યાદી પહેલાં ચૂંટણી તંત્રએ ચકાસણીનો મોકો આપ્યો છે અને સુધારાની તક રાખી છે. મતદારયાદી સુધારણાની પ્રક્રિયાનાં જે તારણો આવ્યાં એ રસપ્રદ છે. નિ:સંદેહ પ્રાદેશિક પક્ષો પોતાના પોકેટ `ભરેલા' રહે એટલે કે તેમના પ્રતિબદ્ધ મતદારોની સંખ્યા મોટી જળવાઇ રહે એ માટે તત્પર હોય છે. આયોજનબદ્ધ રીતે કાર્યવાહી થતી હોય છે. બિહારમાં આવા લાખો મતદારોનાં નામ દૂર થતાં તેની અસર પરિણામો પર વર્તી શકાઇ છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં આ મુદ્દો ખૂબ સંવેદનશીલ છે. બંને રાજ્ય બાંગલાદેશની સીમાને લગીને આવેલા છે અને લાખોની સંખ્યામાં બાંગલાદેશી ત્યાં આવી વસ્યા છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ તેમના ભાષણોમાં લગાતાર કહ્યું છે કે, રાજ્યનો મુખ્યમંત્રી કે દેશના નેતા કોણ બને એ પસંદ કરવાનો અધિકાર માત્ર ભારતના નાગરિકોનો જ હોય, પરભૂમિથી આવી વસેલાઓને હરગીજ નહીં. પ. બંગાળમાં મમતા બેનરજીએ `સર' સામે જેહાદ જગાવવાનો પ્રયાસ કર્યો છે. તેમને ચૂંટણીઓ માથે છે એનો ભય છે. એકંદરે આ અતિ જરૂરી પ્રક્રિયા છે. સર્વોચ્ચ અદાલતે પણ તેની સામે મનાઇહુકમ ન આપીને તમામ વિરોધીઓ-રાજકીય પક્ષોને સંકેત આપી દીધો છે. ચૂંટણીપંચ તરફથી અપાયેલી વિગતો જોતાં મતદારયાદીમાં કેટલીય વિસંગતતા જણાઇ છે. અવસાન પામેલાઓનાં લાખો નામ યાદીમાં હતાં. એ જ રીતે કાયમી સ્થળાંતર કરેલા અને બે જગ્યાએ નોંધાયેલા મતદારોને પણ ઓળખવામાં આવ્યા. ગુજરાતમાં 18 લાખ નામ એવાં નીકળ્યાં જે આ દુનિયા છોડી ગયા છે. આમ, તંત્રની અધૂરાશ હોય કે ન હોય, નાગરિક તરીકેની આપણી ફરજ ચુકાયાનુંય સ્પષ્ટ થાય છે. ખોટાં નામોનો દુરુપયોગ થવાનીય સંભાવના રહે છે. વળી, એ બિનજરૂરી નામો સાથેની ચૂંટણી પ્રક્રિયા વિના કારણ ખર્ચાળ બને છે. કચ્છમાં 55,374 મતદાર મૃત્યુ પામ્યા હતા અને 1,25,990 કાયમી સ્થળાંતર કરી ગયા છે. નાગરિક તરીકે આપણી તકેદારી હોવી જોઇએ કે, જરૂરી નામ કમી કરાવીએ અથવા નવાં સ્થાને ફેરબદલી કરાવીએ. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાના જણાવ્યા અનુસાર મતદારયાદી શુદ્ધ અને ક્ષતિરહિત બને તેમજ દરેક લાયક મતદારનું નામ તેમાં હોય એ સુનિશ્ચિત કરવાની તકેદારી રાખવામાં આવી છે. ચૂંટણી લોકશાહીનું પર્વ કહેવાય છે અને મતદાનને પવિત્ર ફરજ લેખાવાઈ છે. સુધારાયેલી યાદીના આધારે યોજાનારી ભવિષ્યની ચૂંટણીઓમાં અનેક પક્ષોનાં સમીકરણ બદલશે.

Panchang

dd