ગાંધીધામ, તા. 21 : વાગડ
પંથકના મુખ્ય મથક એવા રાપર શહેરના નાગેશ્વર પાર્ક વિસ્તારમાંથી એટીએસના આદેશ બાદ
સ્થાનિક પોલીસે ટીમો બનાવી હરિયાણાના શાર્પ શૂટર તથા તેને આશરો આપનાર શખ્સને દબોચી
લીધા હતા. હરિયાણાના ભિવાની કોર્ટ વિસ્તારમાં લવજીત નામના શખ્સની ગોળી વીંધી વિશાલ
ઉર્ફે ગોલુ નામનો શખ્સ નાસી છૂટયો હતો. આ શખ્સે નવેમ્બર મહિનામાં રાપર શહેરમાં
આવીને દિન્કેશ ઉર્ફે કાલી પરમાનંદ ગર્ગ નામના શખ્સ પાસે આશરો મેળવ્યો હતો. આ કાલી
અહીં છેલ્લા પાંચ-છ મહિનાથી રહેવા આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ શાર્પ શૂટર
વિશાલ ઉર્ફે ગોલુ હરિયાણામાં હત્યાના બનાવને અંજામ આપી રાપરમાં છુપાયો હોવાની
વાતને પગલે રાજ્યની એટીએસ સક્રિય થઈ હતી અને ત્યાંથી આદેશ વછૂટયા બાદ શુક્રવારે
રાત્રે સ્થાનિકની એસઓજી અને એલસીબી દોડતી થઈ હતી. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી
રાપરમાં પહોંચી હતી અને આ બંને શખ્સોને ગંધ આવે તે પહેલાં બંનેને દબોચી લીધા હતા
શાર્પ શૂટર તથા તેને આશરો આપનારા શખ્સને મારતી ગાડીએ એટીએસ કચેરીએ લઈ જવાયા
હોવાનું બહાર આવ્યું હતું. આ અગાઉ પણ રાજસ્થાન, હરિયાણા, દિલ્હીના
ગેંગસ્ટરના સાગરીતો કચ્છ સુધી આવી પહોંચ્યા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આવા
તમામ પરપ્રાંતીય શખ્સોના બી-રોલ ભરાવવા અત્યંત જરૂરી હોવાનું જાણકારોએ જણાવ્યું
હતું.