એડિલેડ, તા.21: પ્રતિષ્ઠિત
એશિઝ ટ્રોફી પર ઓસ્ટ્રેલિયાએ સંપૂર્ણ વર્ચસ્વ સાથે સતત પાંચમીવાર કબજો જમાવ્યો છે.
ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાનો આ સતત ચોથો એશિઝ શ્રેણી વિજય છે. ઓસ્ટ્રેલિયાએ જીતની
હેટ્રિક સાથે ફકત 11 દિવસમાં ઇંગ્લેન્ડને પછાડીને એશિઝ ટ્રોફી શ્રેણીના બે ટેસ્ટ
બાકી રહેતા ગજવે કરી લીધી છે. પ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 3-0ની
અતૂટ સરસાઇથી આગળ થયું છે. ઇંગ્લેન્ડ પર હવે કલીન સ્વીપનો ખતરો તોળાઇ રહ્યો છે.
ત્રીજી ટેસ્ટના આજે આખરી દિવસે આજે કોઇ ચમત્કાર થયો ન હતો. જો કે શ્રેણીમાં
પહેલીવાર ઇંગ્લેન્ડ ટીમે કાંગારૂ બોલરોને સારી ટક્કર આપી હતી. 43પ રનના
વિજય લક્ષ્યાંક સામે અંગ્રેજ ટીમ આજે રમતના આખરી દિવસે લંચ પછી 3પ2 રને
ઓલઆઉટ થઇ હતી. આથી તેનો 82 રને પરાજય થયો હતો. પહેલી અને
બીજી ટેસ્ટમાં તેની 8-8 વિકેટે હાર નોંધાઇ હતી. ત્રીજી
ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેકસ કેરી પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. તેણે 106 અને 72 રનની
ઇનિંગ રમી હતી આ ઉપરાંત વિકેટ પાછળ 6 કેચ લીધા હતા. ઇંગ્લેન્ડ તરફથી
વિકેટકીપર જેમી સ્મિથે આજે 83 દડામાં 7 ચોગ્ગા-2 છગ્ગાથી
60 રનની, વિલ જેકસે 137 દડામાં
3 ચોગ્ગાથી
47 અને
બ્રાયડન કાર્સે 63 દડામાં 4 ચોગ્ગા-1 છગ્ગાથી
39 રનની
લડાયક ઇનિંગ્સ રમી હતી. આથી ઓસ્ટ્રેલિયાની જીતનો ઈંતઝાર લંબાયો હતો. અંતે લંચ પછી
ઇંગ્લેન્ડ ટીમ બીજા દાવમાં સંઘર્ષ કરીને 102.પ ઓવરમાં 3પ2 રને
ઓલઆઉટ થઇ હતી. આથી ઓસ્ટ્રેલિયાનો 82 રને શાનદાર વિજય થયો હતો અને 3-0થી
શ્રેણી કબજે કરી લીધી હતી. સ્ટાર્ક,
કેપ્ટન કમિન્સ અને સ્પિનર લિયોને 3-3 વિકેટ
લીધી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં 371 રન સામે ઈંગ્લેન્ડના 286 રન
થયા હતા. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 349 રન કર્યાં હતા. ઇંગ્લેન્ડના બીજા
દાવમાં 3પ2 રન થયા હતા.