મુંબઇ, તા. 21 : મહારાષ્ટ્રની
288 નગરપાલિકા
અને પંચાયતની યોજાયેલી ચૂંટણીનું રવિવારે પરિણામ જાહેર થયું હતું, જેમાં ભાજપના મહાયુતિ
જોડાણને 200થી વધુ બેઠક મળી હતી અને જબ્બર જીત સાથે ભાજપ સૌથી મોટો પક્ષ
બન્યો હતો, તો
કોંગ્રેસ અને શિવસેના (યુબીટી)એ ભાજપની જીત માટે ચૂંટણીપંચ અને ઇવીએમને જવાબદાર
ગણાવ્યા હતા. એક મીડિયા હેવાલ મુજબ ભાજપની જીત બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે
કહ્યું હતું કે, અમને ખુશી છે કે, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની હકારાત્મકતા અને અમારા નેતાઓએ અમારા પર ભરોસો દર્શાવ્યો, તેના પર અમે ખરા ઊતર્યા. અમે કોઇ પક્ષની ટીકા કે કોઇ પર આરોપ લગાવવાના
બદલે અમારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેનું આ પરિણામ તે ફડણવીસે જણાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ જીતનું શ્રેય ભાજપ સંગઠન અને સરકારના વિકાસના
એજન્ડાને આપ્યું હતું. તો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સયકાલે ભાજપની જીત
માટે ચૂંટણીપંચને `અભિનંદન' એવો કટાક્ષ કર્યો હતો.
જ્યારે શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે મહાયુતિની જીત માટે ઇવીએમને જવાબદાર
ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, સ્થાનિક ચૂંટણીમાં
ભાજપ મહાયુતિ જોડાણે પૈસાનો વરસાદ કર્યો હતો, જેના લીધે
વિપક્ષ નિષ્ફળ ગયો હતો.