નવી દિલ્હી, તા. 17 : સંસદનાં
બજેટ સત્રનાં બીજાં ચરણના ચોથા દિવસે સોમવારે બોગસ મતદારયાદી તેમજ મતવિસ્તાર
સીમાંકન પર ચર્ચાની માંગ ફગાવી દેવાતાં નારાજ વિપક્ષી સભ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ
કર્યું હતું. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ તેમજ ડાબેરી પક્ષોના સાંસદોએ કરેલી માંગ ઉપસભાપતિ હરિવંશે
નકારી દેતાં વિપક્ષી છાવણીએ ગૃહમાં ધમાલ મચાવી હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસ સાંસદ
વર્ષા ગાયકવાડે લોકસભામાં રેલવેમંત્રી પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, રેલવે વેન્ટીલેટર પર છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાથી કોઈ સુધારો થવાનો
નથી. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ ઉપસભાપતિ હરિવંશે કહ્યું હતું કે, મતદારયાદીમાં
હેરાફેરી, લોકસભા બેઠકોનાં સીમાંકન સહિત મુદ્દાઓ પર
તાત્કાલિક ચર્ચા માટે 10 નોટિસ મળી છે. તેમણે તમામ
નોટિસનો અસ્વીકાર કર્યો હતો. ચર્ચાની માંગ ફગાવી દેવાતાં નારાજ કોંગ્રેસ, તૃણમૂલ અને દ્રમુકના
સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ જનતાદળ-યુના સંજય ઝાએ મખાના પર લઘુતમ
ટેકાના ભાવની માંગ કરી. આ મુદ્દો ઊઠયો ત્યારે જ વિપક્ષી સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી
ગયા હતા. કોંગ્રેસના પ્રમોદ તિવારી, તૃણમૂલ કોંગ્રેસના
સુખેંદુ શેખર રોય, સુષ્મિતા દેવ સહિત વિપક્ષી સાંસદોએ બોગસ
મતદાર ઓળખપત્ર જારી કરવામાં ચૂંટણીપંચની ચૂક પર ચર્ચા માટે નોટિસ દ્વારા માંગ કરી
હતી.