• મંગળવાર, 10 માર્ચ, 2026

ઇરાનના ટોચના નેતાઓનો સંપર્ક મુશ્કેલ : જયશંકર

નવી દિલ્હી, તા. 9 : સંસદમાં કેન્દ્ર સરકારે સોમવારે પશ્ચિમ એશિયાના તણાવ ઉપર સત્તાવાર નિવેદન આપ્યું હતું. વિદેશમંત્રી એસ. જયશંકરે ઈઝરાયલ-ઈરાન યુદ્ધ ઉપર સંસદમાં નિવેદન આપતાં કહ્યું હતું કે, ખાડી દેશોમાં સ્થિતિ ચિંતાજનક છે અને ભારત શાંતિના પક્ષમાં છે. બજેટ સત્રનાં બીજા ચરણના પહેલા દિવસે વિપક્ષે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ પર બંને ગૃહમાં ભારે હંગામો મચાવી નાખ્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષે યુદ્ધ બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી સ્થિતિની ભારત પર અસર અંગે ચર્ચાની માંગ કરી હતી. સરકારે કહ્યું હતું કે, વિપક્ષ સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. તેના પર ચર્ચા માટે અમે તૈયાર છીએ, પરંતુ વિપક્ષ બીજો પ્રસ્તાવ લાવ્યો છે, જેનો વિદેશમંત્રીએ બહુ સારી રીતે જવાબ આપ્યો છે. જયશંકરે કહ્યું હતું કે, વર્તમાન સમયે ઈરાનના ટોચના નેતાઓનો સંપર્ક કરવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસ હાઈએલર્ટ ઉપર છે. સરકાર પણ ભારતીયોની સુરક્ષા માટે સક્રિય છે. ભારત આ સ્થિતિમાં ફરી એક વખત સ્પષ્ટ કરે છે કે, કોઈ પણ મામલાનું સમાધાન સંવાદ અને કૂટનીતિક પ્રયાસોથી થવું જોઈએ. પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ ઉપર વિદેશમંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપતાં કહ્યું હતું કે, 28 ફેબ્રુઆરીથી ક્ષેત્રમાં તણાવનો માહોલ છે અને ખાડી દેશોની સ્થિતિ ચિંતાજનક છે. ભારત સરકારની સતત સ્થિતિ ઉપર નજર છે અને ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ મુદ્દે સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિની બેઠકમાં પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે અને તમામ સંબંધિત વિભાગોને જરૂરી નિર્દેશ આપવામાં આવ્યો છે. વિપક્ષની નારેબાજી વચ્ચે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં બની રહેલા ઘટનાક્રમ તમામ માટે ચિંતાનો વિષય છે અને ભારતનું માનવું છે કે, કોઈ પણ વિવાદનું સમાધાન સંવાદ અને કૂટનીતિક પ્રયાસો મારફતે જ થવું જોઈએ. સરકારે સ્થિતિ ઉપર નજર રાખવા કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે અને ક્ષેત્રમાં રહેલા ભારતીયોથી સંપર્ક રાખવા અને તેમને સંભવ સહાય ઉપલબ્ધ કરાવવા કામ થઈ રહ્યું છે. ભારતે ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે, તે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાનું સમર્થક છે અને તણાવ ઘટાડવા માટે તમામ પક્ષો વચ્ચે વાતચીતને જરૂરી માને છે. જયશંકરે કહ્યું હતું કે, ખાડી દેશમાં લગભગ એક કરોડ ભારતીય રહે છે. સરકાર ભારતીયોના સંપર્કમાં છે. તેઓની સુરક્ષા અને મદદ માટે સરકાર સક્રિય છે. પશ્ચિમ એશિયાની સ્થિતિની અસર જીવન અને વેપાર ઉપર પડી છે. સપ્લાય ચેન ઉપર પણ દબાણ છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાત અંગે પણ સતર્ક છે અને સ્થિતિની સતત દેખરેખ થઈ રહી છે. વિદેશમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, વર્તમાન સમયે ઈરાનના મોટા નેતાઓનો સંપર્ક કરવો મુશ્કેલ છે. આ દરમિયાન ભારતીય દૂતાવાસ હાઈએલર્ટ ઉપર છે. જો કે, ઈરાનના વિદેશ મંત્રાલયે ભારતનો આભાર માન્યો છે. ભારતે માનવીય આધારે ઈરાની યુદ્ધ જહાજ લવનને કોચી પોર્ટ ઉપર રોકાવાની મંજૂરી આપી હતી. જેના માટે ઈરાને આભાર વ્યક્ત કર્યો હતો.

Panchang

dd